BBC IT Raid LIVE: BBCની દિલ્હી-મુંબઈ ઓફિસ પર આઈટીના દરોડા, કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ
BBC IT Raid LIVE Updates: ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓને ફોનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓને એક જ રૂમમાં રાખવામાં આવ્યા છે.
એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે EGI BBC ઈન્ડિયાની ઑફિસમાં હાથ ધરવામાં આવેલા IT "સર્વે" વિશે ખૂબ જ ચિંતિત છે. ટીકા કરતી સમાચાર સંસ્થાઓને ડરાવવા અને હેરાન કરવાના સરકારી એજન્સીઓના સતત વલણથી તેઓ પણ પરેશાન છે.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિહે કહ્યું, મને લાગે છે કે બીબીસીના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે માત્ર ગુજરાત પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તમામ બાજુઓ દર્શાવવામાં આવી હતી. શું આ પીએમ મોદીની આંતરરાષ્ટ્રીય છબી પર કલંક નહીં લાગે?
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે બીબીસીના દરોડાનો સમય અત્યારે જણાવતો નથી, પરંતુ તે સાબિત કરે છે કે ભારત તેની લોકશાહી છબી ઝડપથી ગુમાવી રહ્યું છે. ભારતની લોકશાહી ખતરામાં છે. ન્યાયતંત્ર અને પત્રકારત્વ એ છેલ્લા બચેલા ગઢ છે. અમે ભારતીય લોકશાહી માટે અમારા લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું.
બીબીસીએ તેની દિલ્હી અને મુંબઈ ઑફિસમાં આવકવેરા દરોડા વચ્ચે ટ્વિટ કરીને લખ્યું, અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે આ પરિસ્થિતિનો શક્ય તેટલો જલદી ઉકેલ આવી જશે.
બીબીસીએ તેના તમામ પત્રકારો/કર્મચારીઓને આગામી આદેશ સુધી ઘરેથી કામ કરવા જણાવ્યું છે.
બીબીસી પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમોનું પાલન ન કરવાનો, ટ્રાન્સફર પ્રાઈસિંગના નિયમોનું સતત અને ઈરાદાપૂર્વક ભંગ અને જાણી જોઈને નોંધપાત્ર પ્રમાણમાં નફો વાળવાનો આરોપ છે. આ આરોપોની તપાસ માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે આઇટીના કેટલાક અધિકારીઓ પાંચમા માળે આવેલા તંત્રી વિભાગમાં પણ છે. બીબીસીએ તેના બપોરની પાળીના કર્મચારીઓને ઓફિસમાં આવવાની મનાઈ કરી છે.
BBCની દિલ્હી અને મુંબઈ ઑફિસમાં આવકવેરા વિભાગનો સર્વે શરૂ કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે બીબીસીની દિલ્હી ઓફિસમાં 12 થી 15 લોકોની ટીમ સર્વે કરી રહી છે. આવકવેરા વિભાગના સૂત્રોએ તેને 'સર્ચ' ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે મળેલી કેટલીક માહિતીના આધારે શોધખોળ કરવામાં આવી રહી છે. આવું ઘણી જગ્યાએ થઈ રહ્યું છે. હાલમાં કેટલા લોકેશન છે તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી.
આવકવેરા અધિકારીઓ બીબીસીની મુંબઈ ઓફિસે પહોંચ્યા છે તેઓ બીબીસીના નાણા વિભાગના ખાતામાં અમુક દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે. વિભાગે ખાતા અને નાણા વિભાગની વ્યક્તિઓના કેટલાક મોબાઈલ ફોન અને લેપટોપ/ડેસ્કટોપ જપ્ત કર્યા છે. આવકવેરા અધિકારીઓ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો બેકઅપ લેશે અને તે વ્યક્તિઓને પરત કરશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ BBCની ઓફિસ પર IT દરોડાના સમય પર સવાલ ઉઠાવ્યા છે.
કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે જે સમયે ભારત જી-20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે તે સમયે પીએમ મોદી ભારતને સરમુખત્યારશાહી અને તાનાશાહી તરફ ધકેલી રહ્યા છે. બીબીસીના દરોડા, અદાણીને ક્લીન ચિટ, ધનિકો માટે ટેક્સમાં ઘટાડો, અસમાનતા અને બેરોજગારી વધી રહી છે.
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે, દિલ્હીમાં બીબીસીની ઓફિસ પર આવકવેરાના દરોડાના સમાચાર મળ્યા છે. આ અનપેક્ષિત છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અહીં અમે અદાણીના કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર બીબીસીની પાછળ પડી છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 60-70 સભ્યોની બનેલી આવકવેરા વિભાગની ટીમ બીબીસી ઓફિસ પહોંચી અને તપાસ શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BBC ઓફિસને સીલ કરી દેવામાં આવી છે અને તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. બીબીસીના લંડન હેડક્વાર્ટરને પણ દરોડા અંગે માહિતી આપવામાં આવી છે.
બીબીસી ઓફિસ પરના દરોડાને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ટ્વીટ કરીને આ દરોડાને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે. કોંગ્રેસે ટ્વિટમાં લખ્યું હતું કે "પહેલા બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ મુકાયો. હવે બીબીસી પર આઈટીના દરોડા. અઘોષિત ઈમરજન્સી."
બ્રેકગ્રાઉન્ડ
BBC IT Raid LIVE Updates: આવકવેરા વિભાગ દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસો પર દરોડા પાડી રહ્યું છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આવકવેરા વિભાગની ટીમ હજુ પણ બીબીસી ઓફિસમાં છે અને દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. આઈટી વિભાગના અધિકારીઓ બીબીસી ઓફિસમાં પેપરો તપાસી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓને ફોનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓને એક જ રૂમમાં રાખવામાં આવ્યા છે. મુંબઈમાં બીબીસી ઓફિસમાં કોઈનો સંપર્ક થઈ શકતો નથી. જો કે, હજુ સુધી આ દરોડાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે આઈટી સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક સર્વે છે.
તાજેતરમાં બીબીસી તેની એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને ખૂબ ચર્ચામાં હતી. બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને સમગ્ર દેશમાં હોબાળો થયો હતો. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રોપગેન્ડા પીસ ગણાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ડોક્યુમેન્ટરી એકતરફી પરિપ્રેક્ષ્ય દર્શાવે છે, જેના કારણે સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, સરકારના પ્રતિબંધ છતાં, ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આને લઈને દિલ્હીની જેએનયુમાં ભારે હોબાળો થયો હતો.
બીબીસી એ લંડન સ્થિત મીડિયા આઉટલેટ છે જે ભારતમાં ઘણા વર્ષોથી પત્રકારત્વ કરે છે. તાજેતરમાં, બીબીસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો (2002) પર એક ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી, જેના પર ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -