ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈ અટકળો તેજ થઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે. એક વર્ષની અંદર CM બદલવાના કેસમાં ભાજપની આ હેટ્રિક છે.
આ રાજ્યોમાં તાજેતરમાં ભાજપે બદલ્યા છે સીએમ
- ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદથી પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમના સ્થાને તીરથ સિંહ રાવતને તક આપી હતી. જોકે રાવત પણ મુખ્યમંત્રી પદ પર ટકી શક્યા નહતા અને ગત 4 જુલાઈએ BJPએ તેમના સ્થાને પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી પદ પર નિયુક્ત કર્યા હતા.
- કર્ણાટકમાં ગત 26 જુલાઈએ તત્કાલીન મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાને CM પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમના સ્થાને બસવરાજ બોમ્મઈને સીએમ બનાવાયા હતા.
- આસામમાં ભાજપે સર્બાનંદ સોનોવાલને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપ્યું હતું અને તેમના સ્થાને હિમંતા બિસવાને મુખ્યમંત્રી પદ સોંપ્યું હતું.
કોણ બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી
ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવાની રેસમાં મનસુખ માંડવિયા, ગોરધન ઝડફીયા, પુરષોત્તમ રૂપાલા, સી.આર.પાટીલ નામ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. જાણીતા દૈનિક અકિલાના તંત્રી કિરીટ ગણાત્રાના કહેવા મુજબ, પાટીદાર ચહેરો જ મુખ્યમંત્રી બની શકે છે. ગોરધનભાઈ ઝડફિયા મુખ્યમંત્રી બની શકે છે.
રાજીનામા બાદ શું કહ્યું રૂપાણીએ
રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરીષદમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.