નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તપાસ દરમિયાન એક ભીખારી કોરોના પોઝિટિવ મળ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલય મંત્રી સત્યેન્દ્ર જૈને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, લોકડાઉનમાં અમે કેન્દ્ર સરકારની સાથે છીએ, જો કેન્દ્ર સરકાર લોકડાઉન વધારશે તો અમે તેનો સાથ આપીશું.


દેશમાં લોકડાઉન હોવા છતાં નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાતના સભ્યો ધાર્મિક કાર્યક્રમ માટે એકઠા થયા હતા. જેમાંથી કેટલાકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દેશભરમાં પહોંચી ગયેલા જમાતીઓને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ જમાતીઓ દ્વારા અનેક જગ્યાએ સંક્રમણ ફેલાયુ હતું. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા પૈકી આશરે 30 ટકા જમાતી છે.

દિલ્હીમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા 903 પર પહોંચી છે. જેમાંથી 25 લોકો મુક્ત થઈ ગયા છે, જ્યારે 13 લોકોના મોત થયા છે.