Bengal Assembly : પશ્ચિમ બંગાળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, પરંતુ આ દરમિયાન ભારે હોબાળો થયો છે. વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોત જોતામાં આ હોબાળો એટલો ઉગ્ર બન્યો કે ટીએમસીના ધારાસભ્યો ગુસ્સે થઇ ગયા. ભાજપ અને ટીએમસીના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આટલું જ નહીં બંને પક્ષના ધારાસભ્યોએ ઢીંકા-પાટુંનો માર પણ માર્યો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બીજેપીએ બીરભૂમ હિંસા કેસ અને બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને લઈને આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી, ત્યારે મમતાના ધારાસભ્યો ગુસ્સે થઈ ગયા અને આ દરમિયાન ટીએમસીના ધારાસભ્યો ગુસ્સે ભરાયા અને વિધાનસભાની મર્યાદાના લીરેલીરા ઉડાવ્યાં. આ સમગ્ર ઘટનાનો વીડિયો ખુદ બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. જુઓ આ વિડીયો -
મળતી માહિતી અનુસાર બીજેપી ધારાસભ્યો વિધાનસભામાં બીરભૂમ મામલામાં મમતા સરકાર સાથે ચર્ચાની માંગ કરી રહ્યા હતા, પરંતુ મમતા સરકારના પ્રતિનિધિઓ તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો, ત્યારબાદ ભાજપના ધારાસભ્યએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે ધરણા કર્યા, પરંતુ માત્ર પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન બાદમાં હિંસક બન્યું.
શુભેંદુ અધકારી સહીત ભાજપના પાંચ ધારાસભ્યો સસ્પેન્ડ
આ સમગ્ર ઘટના બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકરે કાર્યવાહી કરી અને આગામી આદેશ સુધી પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા. જે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં શુભેંદુ અધિકારી, મનોજ તિગ્ગા, નરહરિ મહતો, શંકર ઘોષ, દીપક બર્મનના નામ સામેલ છે. આના પગલે, વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીની આગેવાની હેઠળ લગભગ 25 ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું અને દાવો કર્યો કે તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યો પર તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહની અંદર હુમલો કરવામાં આવ્યો હતો.