Goa : પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ બીજી વખત ગોવાના સીએમ બન્યા છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ ફરી એકવાર પ્રમોદ સાવંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગોવાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.
રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતની સાથે અન્ય આઠ પ્રધાનોને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ લેનારા આઠ મંત્રીઓમાં વિશ્વજીત રાણે, મૌવિન ગોડિન્હો, રવિ નાઈક, નિલેશ કેબ્રાલ, સુભાષ શિરોડકર, રોહન ખુંટે, ગોવિંદ ગૌડે અને અતાનાસિયો મોન્સેરેટનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, ગોડિન્હો સિવાય, આઠમાંથી પાંચ મંત્રીઓ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓ છે, જેઓ છેલ્લા પાંચ વર્ષમાં ભાજપમાં જોડાયા છે. ગોડિન્હો છ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિત ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
પ્રમોદ સાવંતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, પ્રમોદ સાવંત અને અન્ય તમામ નેતાઓને શુભેચ્છાઓ જેમણે આજે ગોવામાં શપથ લીધા. મને ખાતરી છે કે આ આખી ટીમ ગોવાના લોકોને સુશાસન આપશે અને છેલ્લા એક દાયકામાં કરાયેલા લોકહિતના કાર્યોને આગળ વધારશે.
ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 40માંથી 20 બેઠકો જીતી છે. આ સિવાય કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષો ત્રણ બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને આમ આદમી પાર્ટીએ 2-2 સીટો જીતી હતી.