નવી દિલ્લી: પશ્ચિમ બંગાળ કોંગ્રેસે આજે રાજીવ ગાંધીની જયંતિ પર એ વિવાદીત નિવેદન ટ્વિટ કર્યુ જેમાં તેમણે ઈંદિરા ગાંધીની હત્યા બાદ આપ્યું હતું.  રાજીવ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે મોટુ ઝાડ પડે છે ત્યારે ધરતી હલી જાય છે. આ નિવેદન બાદ રાજીવ ગાંધીની ઘણી ટીકા થઈ હતી. અને આ નિવેદન બાદ રાજકીય વિવાદ થયો હતો.

આ ટ્વિટ કોંગ્રેસના વેરિફાઈડ ટ્વિટર હેંડલ પરથી કરવામાં આવ્યું હતું. જો કે વિવાદ બાદ બંગાળ કોંગ્રેસે આ ટ્વિટ હટાવી લીધું હતું. આ દરમિયાન કોલકતાથી કરવામાં આવેલા ટ્વિટની અસરથી દિલ્લી અને પંજાબમાં વિવાદ થયો છે. વિરોધી દળોએ આ ટ્વિટને મુદ્દો બનાવી લીધો છે. ભાજપે કહ્યું છે કે આમ ભાવનાઓ ભડકાવતા

ટ્વિટ માટે કોંગ્રસ સામે કાર્યવાહી થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આજે રાજીવ ગાંધીની 72મી જયંતિ છે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં ચૂંટણીનો માહોલ છે. કોંગ્રેસ આ વખતે સત્તા પર આવવા માટે મરણિયા પ્રયાસ કરી રહી છે. પણ આમ આદમી પાર્ટી તેને ટક્કર આપી શકે છે. ભાજપ અને અકાલી દલે આરોપ લગાવ્યો છે કે 1984ના ઘા આ ટ્વિટને કારણે ફરી તાજા થઈ ગયા છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસને 1984ની શીખ હિંસા પર ક્યારેય અફસોસ થયો નથી. આજે પણ તેઓ આ વાત પર ગર્વ કરે છે. આપના નેતાઅ અને શીખ હુલ્લડોના પીડિતોને ન્યાય આપવાની લડાઈ લડનારા એચએસ ફુલ્કાએ કહ્યું કે તે હિંસાને લઈને કોંગ્રેસનો અસલી ચહેરો આ જ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ અને ભાજપ પર એક સાથે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ શીખો અને ભાજપ મુસ્લિમો વિરૂદ્ધ રાજકારણ કરે છે.

આ દરમિયાન કોંગ્રેસે સ્પષ્ટતા આપી છે. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે 1984ના હુલ્લડના મામલે તેમના દળ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ માફી માગી ચૂક્યા છે. આ મામલાને વારંવાર ઉછાળીને તેના પર રાજનીતિ ન કરવી જોઈએ.