બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં શુક્રવારે (1 માર્ચ) બપોરે બોમ્બ બ્લાસ્ટ કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે, સીસીટીવી દ્વારા આરોપીની ઓળખ થઈ ગઈ છે. આરોપીની ઉંમર 28 થી 30 વર્ષની વચ્ચે છે. તેણે કાફેની અંદર ઉપકરણોથી ભરેલી બેગ રાખી હતી. બેગ મૂક્યાના થોડા સમય બાદ વિસ્ફોટ થયો અને લગભગ દસ લોકો ઘાયલ થયા., બેંગલુરુ પોલીસે આ કેસમાં એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. તે બેંગલુરુનો રહેવાસી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્યુરોની વિશેષ ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
Bengaluru Rameshwaram Cafe Blast: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે જ પુષ્ટિ કરી હતી કે વિસ્ફોટ IED દ્વારા થયો હતો. આરોપી અગાઉ કેફેમાં ગયો હતો અને રવા ઈડલીની કૂપન લીધી હતી, પરંતુ તે ખાધા જમ્યા જ નીકળી ગયો હતો. આ સમય દરમિયાન તેણે તેની બેગ કેફેમાં જ છોડી દીધી હતી, તેણે જે બેગ છોડી હતી તેમાં કથિત રીતે આઈઈડી હતી.
HAL પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
રિપોર્ટ અનુસાર, પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તે બેગ સિવાય કેફે પરિસરમાં ક્યાંય પણ IED મળ્યો નથી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સીએમનું કહેવું છે કે તે સ્પષ્ટ નથી કે તે આતંકવાદી ઘટના હતી કે નહીં. બાબતે તપાસ ચાલુ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ સંદર્ભમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક એક્સપર્ટ્સ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા
આ બોમ્બ બ્લાસ્ટનો એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડીક સેકન્ડના આ વીડિયોમાં વિસ્ફોટની ક્ષણ દેખાઈ રહી છે. વિસ્ફોટ બાદ લોકો ઘટનાસ્થળેથી ભાગતા જોવા મળી રહ્યા છે.
આ 9 લોકો ઘાયલ
કેફેમાં થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા નવ લોકોના નામ ફારુક (19 વર્ષ), હોટલ કર્મચારી દીપાંશુ (23 વર્ષ), સ્વર્ણંબા (49 વર્ષ), મોહન (41 વર્ષ), નાગાશ્રી (35 વર્ષ), મોમી (30 વર્ષ), બલરામ ક્રિષ્નન (31 વર્ષ), નવ્યા (25 વર્ષ) અને શ્રીનિવાસ (67 વર્ષ).