Bengaluru:  બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે બેંગલુરુમાં રાત્રે ભારે વરસાદને કારણે ફ્લાઈટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. એરપોર્ટના ટર્મિનલ 2ની છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.  તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પેસેન્જર પ્લેન સહિત ઘણી ફ્લાઈટ્સના રૂટ બદલવામાં આવ્યા છે. બીઆઇએએલના એક અધિકારીએ કહ્યું હતું કે "ઝડપી પવન સાથે ભારે વરસાદને કારણે ફ્લાઈટ્સ રાત્રે 9:35 થી 10:29 વાગ્યાની વચ્ચે એરપોર્ટ પર ઉતરી શકી ન હતી, જેના પરિણામે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. 






તેમણે કહ્યું કે ગુરુવારે 13 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ, ત્રણ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ્સ અને એક ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટને ચેન્નઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારે પવન સાથે વરસાદને કારણે શહેરના જયનગર, નૃપથુંગા નગર અને આરઆર નગર સહિતના અનેક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.


ભારે વરસાદ વચ્ચે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પર વરસાદનું પાણી લીક થવા લાગ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા સાઈટ 'X' પર શેર કરવામાં આવ્યો હતો. બેંગ્લુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (BIAL) તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારે પવન સાથે ભારે વરસાદને કારણે રાત્રે 9:35 થી 10:29 વાગ્યાની વચ્ચે લેન્ડિંગ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. ઘણા દાયકાઓ પછી બેંગલુરુમાં ઉનાળા દરમિયાન આટલો ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી હતી. શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે.


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બેંગલુરુ શહેરમાં શુક્રવારે સવારે 8:30 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં શહેરનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 33 અને 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.