Bengaluru Airport Flights Affected By Rain: બેંગલુરુ એરપોર્ટ નજીક ભારે વરસાદને કારણે  ફ્લાઈટ ઓપરેશનને ભારે અસર થઈ હતી. હવામાનની સ્થિતિ યોગ્ય થયા પછી જ ફ્લાઈટ્સ શરૂ થઈ શકી હતી.


એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર  શહેરની બહાર દેવનાહલ્લી ખાતે ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મંગળવારે (4 એપ્રિલ) 14 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવી પડી હતી.  6 ફ્લાઇટ્સ સમય પર ટેકઓફ ન કરી શકી.


46 મિનિટ સુધી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ


એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન અને ભારે વરસાદને કારણે સાંજે 04:05 વાગ્યાથી 04:51 વાગ્યા સુધી ફ્લાઈટ્સનું સંચાલન સરળતાથી થઈ શક્યું નથી. તેમણે કહ્યું,  કુલ 14 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.  6 ફ્લાઈટ્સ સમયસર ઉપડી શકી ન હતી.



એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર  શહેરની બહાર દેવનાહલ્લી સ્થિત કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે ભારે વરસાદ પડ્યો હતો.એરપોર્ટના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડાયવર્ટ કરાયેલી 14 ફ્લાઈટ્સમાંથી 12ને ચેન્નાઈ, એક કોઈમ્બતુર અને એક હૈદરાબાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.


એરલાઇન્સની ગણતરી મુજબ આ ફ્લાઇટ્સ 7 ઇન્ડિગો, 3 વિસ્તારા, 2 અકાસા એરલાઇન્સ અને ગો એર અને એર ઇન્ડિયાની 1-1 હતી. 6 ફ્લાઈટ મોડી પડી હતી. જોકે, સાંજે 4.51 વાગ્યા પછી સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. 


ગુજરાતમાં આગામી 3 દિવસ ફરી માવઠાનું સંકટ, ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ


 


હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર બાદ પૂર્વ કચ્છ ગાંધીધામના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગાંધીધામમાં ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. 


કમોસમી વરસાદથી ઘઉંના ભાવ ઉંચકાયા


રાજયભરમાં ઉનાળામાં  મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી વરસી રહયા હતા. માવઠું થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ છે. જેની સૌથી વધુ અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી રહી છે. ઘઉંની જુદી-જુદી કવોલીટીના ભાવ ઉઘડતી સીઝને જ કિવન્ટલ દીઠ  500 થી 900 સુધી વધી ગયા છે. માવઠાએ તમામ ખેત જણસને માઠી અસર પહોંચાડી છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન માંગ અને ભાવમાં ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર પણ થઇ છે.


દર વર્ષે એપ્રિલ મે મહિનામાં ઘઉંની સીઝન શરુ થતાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવાની તૈયારી કરે છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ઘઉં જે મણ દીઠ  400થી 500 સુધીના ભાવે વેચાણ થતા હતા. જે હવે માવઠું થવાથી જુદી જુદી કવોલીટી મુજબ ઘઉંના ભાવમાં  550થી 650 મણ દીઠ ભાવ વધી ગયા છે. ગત વર્ષે મધ્યમ ગુણવત્તાના ઘઉં આ વર્ષે મણ દીઠ  600 થી વધુ પહોંચ્યા છે. તેમજ ઉચ્ચ કવોલિટીના ઘઉંમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે.