કર્ણાટકમાં ભારે વરસાદ લોકો માટે મોટી સમસ્યા બની ગયો છે. સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું પસાર થવા જઈ રહ્યું છે, પરંતુ વરસાદ એવો છે કે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે બેંગલુરુ જળબંબાકાર થઈ ગયું છે. સોમવારે આખો દિવસ બેંગ્લોરના લોકો લાચાર જોવા મળ્યા. બેંગલુરુમાં પરિસ્થિતિ એટલી મુશ્કેલી ભરી હતી કે શહેરના બધા જ રોડ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને રોડ પર નાવડીઓ તરતી જોવા મળી હતી. રેસ્ક્યૂ ટીમ દ્વારા શહેરમાં હાલ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.



હવામાન વિભાગે મંગળવારે કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 8 અને 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. બેંગલુરુમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને રસ્તાઓ પર હોડીઓ ફરતી થઈ છે. સિલિકોન વેલી કહેવાતા બેંગલુરુમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. ચારેય બાજુ પાણી ભરાઈ જતાં આઈટીકર્મચારીઓ ટ્રેક્ટર અને જેસીબીમાં બેસીને ઓફિસે જઈ રહ્યા છે.  આઈટી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ ટ્રેક્ટર દ્વારા પોતાની ઓફિસે જઈ રહ્યા છે. 


બેંગાલુરુમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો છે. જ્યારે છેલ્લા એક સપ્તાહથી વરસાદ શરૂ હોવાથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, નિચાણ વાળા મકાનોમાં અંદર પાણી ઘુસી ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હજારો લોકોને અન્ય સ્થળોએ શરણ લેવી પડી રહી છે. લોકોની અવર જવર માટે પ્રશાસન દ્વારા નાવડીઓ તૈનાત કરવી પડી છે. અનેક સ્થળે વાહનો ફસાયા છે. જેને કારણે મોટા ભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.


IT કંપનીઓને 225 કરોડનું નુકસાન


બેલગુરુમાં વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. રસ્તામાં ગાડીઓ ફસાઈ ગઈ. અને લોકોને ઓફિસ જવા માટે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો, તો ટ્રેક્ટર એન્જિનિયરોનો સહારો બન્યો હતો. ઘણા લોકો ટ્રેક્ટર દ્વારા તેમની ઓફિસે પહોંચ્યા, પરંતુ કેટલાક લોકોને તેમના ઘરે જવા માટે કોઈ રસ્તો દેખાતો ન હતો. બેંગલુરુમાં વરસાદને કારણે અત્યાર સુધી IT કંપનીઓને 225 કરોડનું નુકસાન થયું છે.બેંગ્લોરમાં વરસાદે છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આવી સ્થિતિમાં જો વધુ વરસાદ પડે તો નુકસાનનો આંકડો વધી શકે છે.


તુમકુરમાં પણ વરસાદે તારાજી સર્જી હતી


કર્ણાટકના તુમકુરમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. પાણીના જોરદાર પ્રવાહમાં એક વ્યક્તિ તણાઈ ગયો, ત્યારબાદ રેસ્ક્યુ ટીમે તેની શોધ શરૂ કરી. આજુબાજુના પાણીમાં લાંબા સમય સુધી શોધખોળ કરવામાં આવી, પરંતુ પાણીમાં રહેલ વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો ન હતો. નદી નાળાઓ બધે ઉભરાઈ રહ્યા છે. રસ્તાઓ પર ઉપરથી પાણી વહેવા લાગ્યું. કર્ણાટકમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં કર્ણાટકના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.