Bengaluru Heavy Rain: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભાર પવન સાથે વરસાદને કારણે એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે એક નાનું બાળક ગુમ થયું હતું. શહેરમાં લગભગ 2 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. જેમાં એક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ કારમાં 6 લોકો હતા. પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ આ ઘટના માટે સહાયની જાહેરાત કરી છે.
તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી અને કહ્યું, “પરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે અને ભાનુ રેખાના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.” આ સાથે તેમણે પરિવારના તમામ સભ્યોની મફત સારવારની ખાતરી આપી છે.
કાર ડૂબી જતાં પરિવારજનોએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. આ પછી આસપાસના લોકોએ મદદ કરી અને તેને હોસ્પિટલ લઈ ગયા. કારમાં સવાર એક મહિલાનું હોસ્પિટલ પહોંચ્યા બાદ મોત થયું હતું. આ મહિલાની ઓળખ ભાનુ રેખા તરીકે થઈ છે. સાથે જ એક નાનું બાળક પણ ગુમ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં સવાર 6 લોકો હૈદરાબાદથી બેંગ્લોર આવ્યા હતા પરંતુ રવિવારે (21 મે) બપોરે ભારે વરસાદ અને કરા પડતાં અહીં ફસાઈ ગયા હતા.
સાડી અને દોરડાની મદદથી બહાર ખેંચી
અંડરપાસમાં પાણીના સ્તરનો ખ્યાલ રાખ્યા વિના કાર ચાલકે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ અધવચ્ચે જ કાર લગભગ ડૂબી ગઈ હતી. ઉતાવળમાં કારમાં બેઠેલા લોકો પોતાને બચાવવા બહાર આવ્યા હતા. વરસાદને કારણે પાણીની સપાટી વધવા લાગી હતી. પરિવારજનોએ મદદ માટે અવાજ લગાવતા જ આસપાસના લોકો તેમને બચાવવા આગળ આવ્યા હતા. લોકોએ સાડી અને દોરડાની મદદથી તેમને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે ફસાયેલા લોકોએ નિકળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. તેમાંથી બેને આપાતકાલિન સેવા કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્યને સીડીનો ઉપયોગ કરીને બહાર લાવવામાં આવ્યા હતા. ભાનુ રેખા બેંગ્લોરમાં ઈન્ફોસિસ કંપનીમાં કામ કરતી હતી.
આજે બપોર બાદ બેંગ્લુરુ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. બેંગ્લુરુ શહેરમાં બપોરે બાદ ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.