ટેક્નોલોજી એટલે બેધારી તલવાર. એનો યોગ્ય ઉપયોગ જીવન અને સમાજમાં આમુલ પરિવર્તન લાવે છે, તો એનો અયોગ્ય ઉપયોગ મુશ્કેલીઓની બટાલિયન સર્જે છે. એટલે જ વિશ્વમાં ટેક ફોર ગુડ નામે એક એનોખી ચળવળે ગતિ પકડી છે. અને આ ચળવળ, આ ત્રણ શબ્દો - ટેક ફોર ગુડ - નિમિત્ત બન્યા છે પ્રતિભાશાળી નેહા મહેતા માટે એમની કન્સલ્ટિંગ ફર્મ નામે ફેમટેક પાર્ટનર્સની સ્થાપના કરવામાં. 


સિંગાપોરમાં મુખ્યાલાય ધરાવતી આ કલ્સલ્ટિંગ ફર્મ સાઉથ ઇસ્ટ એશિયાના સિંગાપોર, મલેશિયા, વિએટનામ, ફિલિપાઇન્સ, મ્યાનમાર, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં સમાજલક્ષી અને સ્ત્રીલક્ષી કાર્યોની ઉત્કૃષ્ટ વણજાર સર્જીને સોનું ધ્યાન ખેંચી રહી છે. આ દેશોમાં સંસ્થા આર્થિક નિયંત્રકો સાથે ખભેખભા મિલાવીને નાણાકીય ક્ષેત્રમાં, ટેક્નોલોજીમાં અને સ્ત્રીઓને બળુકી વ્યાવસાયિક બનાવવાના મોરચે બહુલક્ષી સેવાઓ પૂરી પાડે છે. 


ફેમટેકની સંસ્થાપિકા નેહા મહેતાએ સિંગાપોરમાં વકીલ તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. એ પછી તેઓને ચેવેનિંગની ફેલોશિપ મળી જે અંતર્ગત લંડનની કિંગ્સ કોલેજમાં તેમણે રિસ્ક મેનેજમેન્ટનો ગહન અભ્યાસ કર્યો હતો. 


આર્થિક ક્ષેત્રમાં કાર્યરત થતાં તેમને આ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો સાથે સ્ત્રીઓને તેમાં આગળ વધવામાં આવતી અડચણોનો અંદાજ આવ્યો હતો. એમાંથી જન્મ થયો ફેમટેક પાર્ટનર્સનો. ફાઇનાન્શિયલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં મહિલોએને પ્રશિક્ષિત કરવી, તેમને આગળ વધવા જરૂરી એવું માર્ગદર્શન પૂરું પાડવે અને ટેક્નોલોજીનો સમાજના લાભ માટે ઉત્કર્ષ કરવાની ચળવળને પીઠબળ પૂરું પાડવું એ ફેમટેક પાર્ટનર્સનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. 


નેહા મહેતાએ વોલન્ટરી સર્વિસ ઓવરસીઝ (વીએસઓ) જેવી વૈશ્વિક સેવાસંસ્થા સાથે પણ કર્યું છે. આ સંસ્થા મોબાઇલ મની, ઇ-કેવાયસી જેવી મોરચે કાર્યરક રહેતા લોકોને નવા યુગની આર્થિક લેવડદેવડમાં સમાવી લેવા પ્રયાસ કરે છે. બાંગ્લાદેશ જેવા દેશમાં પણ નેહાએ મહિલાઓ તથા યુવાનોને મળીને વિકસતા દેશોમાં મૂડીની સમસ્યા કેવી રીતે તેમની પ્રગતિમાં અવરોધક બને છે તેનો અભ્યાસ કર્યો છે. આ સમસ્યાના નિવારણમાં ટેક્નોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તેનો પણ તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. 


ટેક ફોર ગુડના પાર્ટનર તરીકે કામ કરતી વિશ્વની 88 સંસ્થાઓમાંની એક અગ્રણી સંસ્થા ફેમટેક પાર્ટનર્સ પણ છે. ટેક ફોર ગુડ ગ્લોબલનો ઉદ્દેશ ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગી થકી સામાજિક અને પર્યાવરણલક્ષી પરિવર્તનો આણતા લોકોનાં જીવન અને પૃથ્વી બેઉને ખીલવવાનો છે.   


બ્રિટનમાં ટેક ફોર ગુડના સહયોગમાં કામ કરતી ઘણી કંપનીઓ ટેક્નોલોજી થકી લોકોની સમસ્યાઓના નિવારણ માટે ગંભીરપણે કાર્યરત છે. ત્યાંની 490 કંપનીઓ આ ચળવળનો હિસ્સો છે. 2018માં આ કંપનીઓનું સંયુક્ત વાર્ષિક ટર્નઓવર 734 મિલિયન પાઉન્ડ તો સંયુક્ત વેલ્યુએશન 2.3 અબજ પાઉન્ડ હતું. 




એક અભ્યાસમાં ટેક ફોર ગુડ જે છ ક્ષેત્રોમાં નોંધનીય ફરક પાડી શકે તે દર્શાવવામાં આવ્યા હતા, જે છે - નોકરીની સુરક્ષિતતા, ભોતિક જીવનધોરણ, સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય, શિક્ષણ, પર્યાવરણની સુરક્ષિતતા અને સમાન તકો. ભારતની વાત કરીએ તો કોવિડ-19ના સમયથી અહીં પણ ટેકફોર ગુડની ઉપયોગિત વાશે ખાસ્સી જાગૃતિ પ્રસરી છે. નાસકોમ ફાઉન્ડેશને આ વરસે પ્રસિદ્ધ કરેલા એક અહેવાલમાં સહભાગી થનારી કંપનીઓ તથા સંસ્થાઓના પ્રતિસાદથી જાણવા મળ્યું હતું કે દેશની 90 ટકા કંપનીઓ તથા સંસ્થાઓ સમાજ ઉત્કર્ષ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા ઉત્સુક છે. 




સિંગાપોરમાં તો ટેક ફોર ગુડ ચળવળ હવે ડીપ ટેક ફોર ગુડના વધુ ઊંડા સ્તરે પહોંચી છે. આ નવી ચળવળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ફ્રન્ટ એન્ડ ટેક્નોલોજીના ઉપયોગ થકી લોકોના જીવન વધુ સારાં બનાવવા વિશેની છે. એસજીઇનોવેટની આ નવતર ચળવળ સાથે અનેક વૈશ્વિક સંસ્થાઓની બાગીદારી છે. 


ટેક ફોર ગુડનો લાભ કંપનીઓને તો મળે જ છે, સાથે તેનાથી પ્રસરતા સારી બાબતો સમગ્ર દેશના નાગરિકો માટે આશીર્વાદરૂપ બને છે. આ વિશય પર વધુ પ્રકાશ પાથરતું, સુપર એપ્સ વિશેનું એક પુસ્તક પણ બહુ જલદી પ્રસિદ્ધ થવાને છે. તેમાં સ્રવાંગી આર્થિક સમાવેશીકરણ માટે ટેક્નોલોજીના ઉપયોગ અને મહિલાઓ કોવિડ-19ની આડઅસરોનો સામનો કરવા ટેક્નોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી રહી છે તેના પણ છણાવટ કરવામાં આવી છે.