Bhagwant Mann Claims To Form Government: પંજાબની ચૂંટણીમાં શાનદાર જીત બાદ આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ભગવંત માને શનિવારે ચંદીગઢમાં રાજભવન પહોંચીને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત સાથે મુલાકાત કરી હતી અને  રાજ્યમાં નવી સરકાર રચનાનો દાવો કર્યો હતો. ભગવંત માન 16 માર્ચ એટલે કે બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ માટેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.







આ અગાઉ મોહાલી ખાતે ગઈકાલે સાંજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં ભગવંત માનને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ભગવંત માન શહીદ ભગતસિંહના ગામ ખટકરકલાંમાં શપથ લેશે. શપથગ્રહણ પહેલા ભગવંત માન 13 માર્ચે રવિવારે અમૃતસરમાં શ્રી હરમંદિર સાહિબમાં દર્શન કરવા જશે અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સાથે ભવ્ય રોડ શો કરશે.  ભગવંત માને ગુરુવારે કેજરીવાલ અને મનીષ સિસોદિયાને શપથ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ભગવંત માને  કહ્યું હતું કે દિલ્હીના ગવર્નન્સ મોડલને પંજાબમાં લાગુ કરવું પડશે. આમ આદમી પાર્ટીની સરકાર સામાન્ય લોકોમાંથી ચાલશે.


શહીદ ભગતસિંહના ગામમાં ભગવંતના શપથ ગ્રહણ સાથે આમ આદમી પાર્ટી એક તીરથી બે નિશાન સાધવાનો પ્રયાસ કરશે. પહેલું બીજેપીના રાષ્ટ્રવાદનો જવાબ આપવો અને બીજું દેશભરના સામાન્ય લોકો સાથે જોડાયેલા હોવાની છબી પહોંચાડવી. નોંધનીય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ 117માંથી 92 સીટો જીતી છે.