જયપુર: રાજસ્થાનમાં ભારતીય જનતાએ અંતે પોતાના મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી છે. ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી બનશે. આજે જયપુરમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિતના નિરીક્ષકોએ ભજનલાલ શર્માના નામ પર મહોર મારી છે. આગામી દિવસોમાં ભજનલાલ શર્મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. ભજનલાલ શર્મા સાંગનેર બેઠક પરથી ધારાસભ્ય છે. 






પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રણ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં ડૉ મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. 


સાંગાનેરના ધારાસભ્ય


સાંગાનેર બેઠક ભાજપનો ગઢ છે. આવી સ્થિતિમાં ભજનલાલ શર્માએ જીત નોંધાવી હતી. સંગઠનમાં તેમની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને મુખ્યમંત્રી પદની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.


ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા. આજે બપોરે ત્રણેય નેતાઓ જયપુર પહોંચ્યા અને ધારાસભ્યો સાથે બેઠક કરી. આજે બપોરે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વસુંધરા રાજે સાથે વન ટુ વન બેઠક કરી હતી. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી.


રાજસ્થાનની લડાઈ જીત્યા બાદ ભાજપ સામે સૌથી મોટો પડકાર એ હતો કે સીએમ તરીકે કોને પસંદ કરવામાં આવે. પરંતુ સીએમ પદ માટેની આ રેસ હવે બંધ થઈ ગઈ છે. આ રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા. આ યાદીમાં પહેલું નામ વસુંધરા રાજેનું હતું. તે રાજસ્થાનની કમાન સંભાળી ચૂક્યા છે. આ સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથનું નામ પણ ચર્ચામાં હતું. ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડ જેવા નામો પણ રેસમાં હતા.


નોંધનીય છે કે જે રીતે ભાજપ હાઈકમાન્ડે એમપી અને છત્તીસગઢમાં નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા હતા તે જોઈને રાજસ્થાનમાં ભાજપના તમામ 115 ધારાસભ્યોની આશા જાગી હતી કે તેમના નામ પણ સીલબંધ કવરમાં હોઈ શકે છે. રાજસ્થાનમાં પણ કંઈક આવું જ થયું.


છત્તીસગઢ અને એમપીની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ સીએમ ચહેરા વગર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીઓમાં પીએમ મોદીના ચહેરા પર ભાજપની જીત થઈ હતી. રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો પર થયેલા મતદાનમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. પાર્ટીએ 115 સીટો જીતી છે.  કોંગ્રેસને 69 બેઠકો મળી હતી.