નવી દિલ્હીઃ કોરોનાની રસીને લઈને એક મોટા અને સારા સમાચાર ભારત બાયોટેક કંપનીએ શેર કર્યા છે. કંપનીઓ દાવો કર્યો છે કે, રસીના પહેલા અને બીજા ટ્રાયલ બાદ બિલકુલ સુરક્ષિત મળી આવી છે. તેમણે કહ્યું કે, રસીના ટ્રાયલમાં સારા પરિણામ સામે આવ્યા છે.

ભારત બાયોટેક કંપનીનું માનીએ તો રસીમાં કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી. કંપનીનું કહેવું છે કે, રસી માત્ર સુરક્ષિત જ નથી પરંતુ ઇમ્યુનિટી પણ આપે છે. ટ્રાયલમાં જોવા મળ્યું છે કે, એન્ટીબોડીઝ બની રહ્યા છે. રસી માત્ર લોંગ ટર્મ એન્ટીબોડી બનાવી રહી નથી પરંતુ ટી સેલ મેમોરી રિસ્પોસ પણ આપે છે જે ખૂબ જ ખાસ છે.

ભારત બાયોટેકે બુધવારે કોવેક્સિન એટલે કે BBV152ના ફેઝ-2ના પરિણામ જાહેર કર્યા છે. તેનાથી લાંબા સમય સુધી શરીરમાં યોગ્ય એન્ટીબોડી અને T-સેલ મેમરી રિસ્પોન્સ જોવા મળ્યા છે. ફેઝ-1 વોલેન્ટિયર્સમાં વેક્સિનેશનના બીજા ડોઝ આપ્યાને ત્રણ મહિના પછી પણ વેક્સિન ઈફેક્ટિવ જોવા મળી છે. તો ફેઝ-2 ટ્રાયલ્સમાં વેક્સિને વધી ગયેલા હ્યુમરલ અને સેલ-મીડિયેટેડ હ્યમુન રિસ્પોન્સ દેખાડ્યા છે.

કંપનીએ ફેઝ-2ના ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામ મુજબ આ વેક્સિન ઓછામાં ઓછા 12 મહિના સુધી કોરોનાથી સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. સૌથી ખાસ વાત એ છે કે આ વેક્સિન તમામ ઉંમરના વર્ગો અને મહિલા-પુરૂષો પર સમાન રીતે ઈફેક્ટિવ પુરવાર થઈ છે. હાલના સમયે વેક્સિનના ફેઝ-3ના ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે.

કંપની અનુસાર બન્ને ટ્રાયલમાં રસીને લઈને કોઈપણ પ્રકારનું નુકસાન જોવા નથી મળ્યું. આ રસી બિલકુલ સુરક્ષિત હોવાનું કહેવાય છે.