Congress planning : કોંગ્રેસે તાજેતરમાં તેની ભારત જોડો યાત્રાનું સમાપન કર્યું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધીની આ યાત્રા આશરે 4080 કિલોમીટર જેટલી લાંબી હતી. આ યાત્રાને મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખી કોંગ્રેસે વધુ એક મેગાપ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસ હવે વધુ એક ભારત જોડો યાત્રા કરવા જઈ રહી હોવાના સંકેતો મળી રહ્યાં છે. 


હવે કોંગ્રેસ પાર્ટી અરુણાચલ પ્રદેશથી ગુજરાત યાત્રા કાઢવાનું વિચારી રહી છે. શક્ય છે કે આ યાત્રા અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર સુધી કાઢવામાં આવે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે વાતચીત દરમિયાન આ બાબતના સંકેત આપ્યા હતાં. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન યાત્રા અંગે સંકેત આપ્યા હતા.


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંયમને આગળ વધારવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવો જોઈએ. જેમાં દરેક વ્યક્તિ ભાગ લેવા માટે તૈયાર હોય. રાહુલે આ પ્રવાસને અનેક પ્રસંગોએ તપસ્યાનું નામ આપ્યું હતું. સંમેલનના સમાપન બાદ રમેશે જણાવ્યું હતું કે, આ યાત્રા પાસીઘાટથી શરૂ થઈ પોરબંદરમાં સમાપ્ત થવાની સંભાવના છે. તેના વિશે ઘણી ઉત્તેજના અને ઊર્જા છે. અંગત રીતે હું માનું છું ક, તેની પણ જરૂર છે.


તેમણે કહ્યું હતું કે, પૂર્વથી પશ્ચિમની યાત્રાનું ફોર્મેટ દક્ષિણથી ઉત્તરની મુસાફરી કરતા અલગ હશે. કદાચ આ મુલાકાત આટલા વ્યાપક સ્તરે નહીં હોય.


કોંગ્રેસ મહાસચિવે કહ્યું હતું કે, આગામી ગણતરીના અઠવાડિયામાં બધું નક્કી થઈ જશે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પૂર્વની ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યાત્રા માટે પરિવહનના વિવિધ પ્રકારો (મલ્ટી-મોડલ) નો ઉપયોગ કરવામાં આવી શકે છે, પરંતુ મૂળભૂત રીતે તે ચાલવા માટે હશે.


રમેશે એમ પણ કહ્યું હતું કે, ભારત જોડો યાત્રાની સરખામણીએ આ યાત્રામાં ભાગ લેનારા યાત્રિકોની સંખ્યા ઓછી હોઈ શકે છે. ભારત જોડો યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને લગભગ 4000 કિલોમીટરનું અંતર કાપીને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. જેમાં રાહુલ ગાંધી સહિત લગભગ 200 ભારતીય પ્રવાસીઓએ ભાગ લીધો હતો.


Congress : રાહુલ અધવચ્ચે જ છોડી દેવાના હતાં ભારત જોડો યાત્રા, કોંગી નેતાનો જ ધડાકો


કોંગ્રેસની ભારત જોડો યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી કાશ્મીરમાં તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસ દેશમાં પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ યાત્રાની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ સાંસદ રાહુલ ગાંધી શરૂઆતથી જ આ યાત્રાને શરૂઆત સાથે જ અધવચ્ચે છોડી દેવાના હતા તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. 


રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની કમાન કોંગ્રેસના અન્ય નેતાને સોંપવાના હતા. આ ખુલાસો કોઈ બીજા નહીં પણ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પોતે જ કર્યો છે. જાહેર છે કે, રાજકીય પંડિતો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ઘણી સફળ ગણાવી રહ્યાં છે.