Bharat Jodo Yatra Closing Ceremony:  કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપન થયું. આ દરમિયાન એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.  સુરક્ષા બંદોબસ્ત અને હિમવર્ષાની વચ્ચે રેલી યોજાઈ હતી. આ સમાપન રેલીમાં રાહુલ ગાંધી અને અન્ય નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.  હવે ભાજપે પણ વળતો જવાબ આપ્યો.  રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જોરદાર પ્રહારો કર્યા.  અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યુ કે "બરફના ગોળા બનાવી રમતા અને પિકનિક કરતા રાહુલ-જી અને પ્રિયંકા-જીએ મોદીજીનો આભાર માનવો જોઈએ કે તેમના કારણે આજે તમે, તમારો પરિવાર, તમારી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કાશ્મીરમાં આઝાદીથી ફરી રહ્યા છે. લાલ ચોકમાં ઝંડો ફરકાવી રહ્યા છે.  પણ આભાર માનવો તો દૂર તમે અહીં પણ રાજનીતિ કરી રહ્યા છો.  


1. કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ. આ યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. આ યાત્રામાં રાહુલ ગાંધી સહિત 130થી વધુ ભારતયાત્રીઓએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. પાંચ મહિનાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ 12 મોટી જાહેર સભાઓ, 100થી વધુ નુક્કડ સભાઓ અને 13 પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.


2. યાત્રાના સમાપન પ્રસંગે ભારે હિમવર્ષા વચ્ચે કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલીનું આયોજન કરાયું હતું. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ કર્યું હતું. રાહુલ ગાંધીએ યાત્રાના કેમ્પ સાઈટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.


3. દ્રવિડ મુનેત્ર કઝગમ (દ્રવિડ), નેશનલ કોન્ફરન્સ (NC), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP) અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ના પ્રતિનિધિઓએ પણ આમાં ભાગ લીધો હતો.  રાહુલ ગાંધીના નેતૃત્વના વખાણ કરતા વિપક્ષી દળોએ કહ્યું કે તેમનામાં દેશ માટે આશાનું કિરણ દેખાય છે.



4. રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, "તેમની ભારત જોડો યાત્રાનો હેતુ ભારતના ઉદાર અને બિનસાંપ્રદાયિક મૂલ્યોને બચાવવાનો છે." તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશના ઉદાર અને બિનસાંપ્રદાયિક મૂલ્યો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, "મેં આ યાત્રા મારા માટે કે કોંગ્રેસ માટે નહીં પરંતુ દેશના લોકો માટે કરી છે. અમારો ઉદ્દેશ્ય એ વિચારધારા સામે ઊભા રહેવાનો છે જે આ દેશના પાયાને ખતમ કરવા માંગે છે."


5. રાહુલ ગાંધીએ કહ્યું કે, "તેમને જમ્મુ-કાશ્મીરની ધરતી પર ન ચાલવાની સલાહ આપવામાં આવી હતી કારણ કે તેમના પર હુમલો થઈ શકે છે." તેમણે કહ્યું, "મેં તેના વિશે વિચાર્યું અને પછી નક્કી કર્યું કે હું મારા ઘર અને પોતાના લોકો (J&K)માં  સાથે ચાલીશ. 



6. રાહુલ ગાંધીએ તે સમયને યાદ કર્યો જ્યારે તેમને તેમના દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યા અંગે ફોન પર માહિતી મળી હતી. તેમણે કહ્યું, "જે લોકો હિંસા ભડકાવે છે, જેમ કે મોદીજી, અમિત શાહજી, બીજેપી અને આરએસએસ - તેઓ આ દર્દને ક્યારેય સમજી શકશે નહીં. સેનાના જવાનનો પરિવાર આ સમજી શકશે, પુલવામામાં શહીદ થયેલા CRPF જવાનોનો પરિવાર આ સમજી શકશે, કાશ્મીરના લોકો આ દર્દ શું છે તે સમજશે."


7. કોંગ્રેસ સાંસદે ભાજપને તેમની જેમ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસ કરવાનો પડકાર ફેંકતા કહ્યું કે, તેઓ આવું ક્યારેય નહીં કરે કારણ કે તેમનામાં હિંમત નથી, તેઓ ડરેલા છે. તેમણે કહ્યું, "હું તમને ખાતરી આપી શકું છું કે જમ્મુ અને કાશ્મીરમાં બીજેપીનો કોઈ નેતા આ રીતે ચાલી શકશે નહીં. તેઓ આવું નહીં કરે, એટલા માટે નહીં કે તેમને મંજૂરી આપવામાં આવશે નહીં પરંતુ તેઓ ડરેલા છે."


8. રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ચૂંટણી જીતવા માટે નથી, પરંતુ દેશમાં ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાયેલી નફરત સામે છે. તે નફરત માટે નહીં પરંતુ નફરતની વિરુદ્ધ હતી. BJP લોકો દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ સાબિત કર્યું છે કે તેઓ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર કન્યાકુમારીથી કાશ્મીર સુધી દેશને એક કરી શકે છે." તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ અને ભાજપ દેશમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારવાની નીતિ અપનાવી રહ્યા છે.


9. ભાજપ દ્વારા પણ કોંગ્રેસ પર  પલટવાર કરવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, "ભાજપના શાસનમાં લાલ ચોક પર ત્રિરંગો લહેરાવવામાં આવે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે શક્ય બનાવ્યું છે. બરફ સાથે રમતા રાહુલ જી-પ્રિયંકા જીએ  પીએમ મોદીનો આભાર માનવો જોઈએ. આજે તમે, તમારો પરિવાર, તમારી પાર્ટી, તમારા નેતાઓ અને કાર્યકર્તાઓ કાશ્મીરમાં મુક્તપણે ફરે છે, ધ્વજ ફરકાવે છે. પરંતુ આભાર માનવા તો દૂર તમે અહીં પણ રાજનીતિ કરી રહ્યા છો."