Bharat Jodo Yatra: 109 દિવસ બાદ આખરે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' દિલ્હી પહોંચી છે આ દરમિયાન રાહુલ ગાંધીએ ઐતિહાસિક એવા લાલ કિલ્લા પરથી લોકોને સંબોધિત કર્યા હતાં અને તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ નરેન્દ્ર મોદી તે અંબાણી અને અદાણીની સરકાર નથી. સાથે જ તેમણે કડકડતી ઠંડીને લઈને પણ વાત કહી હતી.
રાહુલ ગાંધીએ આજે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આખો દેશ જાણે છે કે આ નરેન્દ્ર મોદીની સરકાર નથી પણ અંબાણી-અદાણીની સરકાર છે. હું 2,800 કિમી ચાલ્યો, મને ક્યાંય નફરત કે હિંસા દેખાઈ નથી, પરંતુ જ્યારે પણ હું ન્યૂઝ ચેનલ જોવું છું ત્યારે મને હંમેશા નફરત-હિંસા દેખાય છે.'' તેમણે એમ પણ કહ્યું કે, આ લોકો દેશમાં નફરત અને ભય ફેલાવી રહ્યા છે. આમ એટલા માટે થાય છે કારણ કે તેઓ તમારું ધ્યાન અહીંથી હટાવીને બીજે જવા માગે છે. જેથી કરીને સચા મુદ્દાઓ પર ભૂલથી પણ તમારું ધ્યાન ના જાય.
પીએમ મોદીએ મારા માટે હજારો કરોડ રૂપિયાખર્ચ્યા
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપે મારી છબી ખરાબ કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા. મેં એક શબ્દ પણ ન કહ્યો કારણ કે હું જોવા માંગતો હતો કે તેમની પાસે કેટલી શક્તિ છે.
જો સરહદમાં કોઈ આવ્યું જ નથી તો આટલા ખુલાસા કેમ?
રાહુલ ગાંધીએ ચીન સરહદે થયેલી ઘુષણખોરીનો મુદ્દો પણ આક્રમક રીતે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી કહે છે કે બોર્ડર પર કોઈ આવ્યું નથી, તો પછી સેનાએ 21 રાઉન્ડની વાત કેમ કરી? ચીને આપણી 2 હજાર ચોરસ કિલોમીટર જમીન કેવી રીતે હડપ કરી? મોદી સરકાર પર ચાબખા યથાવત રાખતા રાહુલે કહ્યું હતું કે, તમારા સેલફોન અને શૂઝની પાછળ મેડ ઇન ચાઇના લખેલું જોવા મળશે. મેડ ઇન ઇન્ડિયા લખવાનું છે. એવો દિવસ આવવો જોઈએ કે જો તમે શાંઘાઈમાં જૂતા જોવો તો ત્યાં પણ તમને મેડ ઈન ઈન્ડિયા તરીકે જોવા મળશે. તેનાથી યુવાનોને રોજગારી મળશે.
રોજગારી કેવી રીતે મેળવવી?
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો આ દેશને કોઈ રોજગાર આપી શકે છે તો તે ખેડૂતો અને નાના વેપારીઓ જ આપી શકે છે કારણ કે દેશમાં લાખોની સંખ્યામાં છે. આ લોકો 24 કલાક કાર્યરત જ રહે છે. તેમના માટે બેંકના દરવાજા બંધ રહે છે. પરંતુ ભારતના 2-3 અબજોપતિઓને 1 લાખ કરોડ, 2 લાખ કરોડ, 3 લાખ કરોડની લોન આસાનીથી આપવામાં આવે છે. જ્યારે તેઓ (ખેડૂતો અને નાના વેપારીઓ) બેંકની પાસે જાય છે ત્યારે તેમને ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે.
"લોકો મને પૂછે છે શું તેમને ઠંડી નથી લાગતી?
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' શનિવારે રાજધાની દિલ્હીમાં વિરામ લેતા પહેલા લાલ કિલ્લા પર એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, જ્યારે હું પ્રવાસ દરમિયાન માત્ર ટી-શર્ટ પહેરું છું ત્યારે લોકો મને પૂછે છે કે તમને ઠંડી નથી લાગતી? પણ શું તેઓ (નરેન્દ્ર મોદી) આ વાત ગરીબો અને મજૂરોને પૂછે છે?