નવી દિલ્હી: ભીમ આર્મીના સંસ્થાપક ચન્દ્રશેખર આઝાદ પોતાની નવી પાર્ટી બનાવી છે. નવી પાર્ટીની જાહેરાત માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચન્દ્રશેખરે પોતાની પાર્ટીનું નામ 'આઝાદ સમાજ પાર્ટી' રાખ્યું છે. ચંદ્રશેખરના આ કાર્યક્રમમાં 6 પૂર્વ સાંસદો અને 28 પૂર્વ ધારાસભ્યો પણ સામેલ થયા હોવાના મીડિયા રિપોર્ટ છે. આ કાર્યક્રમ પહેલા પોલીસ અને ભીમ આર્મીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.





આજે સવારે જ્યારે ભીમ આર્મીના કાર્યકર્તા સભા સ્થળ પર પહોંચી રહ્યા હતા, તે દરમિયાન પોલીસના અધિકારીઓએ સભા સ્થળ માટે મંજૂરી નથી લેવામાં આવી કહીને ગેસ્ટ હાઉસને તાળુ મારી દીધુ હતુ. જો કે, થોડી વાર બાદ પોલીસ સાથે વાતચીત કરી તાળુ ખોલવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે દેશના અલગ અલગ ખૂણેથી ભીમ આર્મીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.

ભીમ આર્મીના ચીફ ચન્દ્રશેખર આઝાદ અત્યારથી જ ઉત્તરપ્રદેશ વિધાનસભા 2022 ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેના કારણે પશ્ચિમ યુપીના રાજકારણમાં નવા સમીકરણો રચાશે. ચન્દ્રશેખર આઝાદ સહારનપુરમાં થયેલા દલિતો અને ઠાકુરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ચર્ચામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ આઝાદે રાજ્યની યોગી સરકાર અને કેંદ્રની મોદી સરકારને સતત પડકાર આપતા આવ્યા છે.