મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 107 કેસની પુષ્ટી કરી છે. જેમાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રના છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 31 પર પહોંચી છે. જેને લઈને પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ ઉદ્ધવ ઠાકરે સાથે કોરોના વાયરસ સામે લડવા માટે કરવામાં આવેલી તૈયારીઓ અને સાવધાની રાખવા પર ચર્ચા કરી હતી.




રાજ્યોમાં કોરોના વાયરસના મુકાબલા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલા પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતે નજર રાખી રહ્યા છે. એટલું જ નહી તેમણે સાર્ક દેશો સામે કોરોના વાયરસ સામે લડવા માટે સાથે મળીને પ્રયાસ કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે. જેને લઈને સાર્ક દેશોએ પ્રધાનમંત્રીના વખાણ કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસને લઈને ખૂબ જ ગંભીરતા અને સંવેદનશીલતા રાખવાની જરૂર છે. કોરના વાયરસને લઈને સાવધાની રાખવાથી તેને દૂર રાખી શકાય છે.

મહારાષ્ટ્રમાં શનિવારે પાંચ નવા પોઝિટિવ કેસ સામે આવતા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 31 પહોંચી ગઈ છે. જેના પગલે મુંબઈમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કેરળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 22 થઈ ગઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં 12 અને દિલ્હીમાં 7 દર્દીઓ છે.