હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારુમાં ગુરુવારે એક બોલેરોમાં બે માનવ હાડપિંજર મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.ત્યારબાદ પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને આશંકા હતી કે બોલેરોમાં આગ લાગવાને કારણે બંને વ્યક્તિઓના મોત થયા છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ પોલીસના હોશ ઉડી ગયા. મૃતકના સંબંધીઓએ તેમને જીવતા સળગાવવાનો આરોપ લગાવ્યો હતો.






મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા


ભિવાની જિલ્લાના લોહારુના જંગલમાંથી બે વ્યક્તિના મૃતદેહ મળ્યા બાદ પોલીસે વાહનના નંબરના આધારે નુહ પોલીસનો સંપર્ક કર્યો હતો. નૂહ પોલીસે તપાસ કરતાં જણાવ્યું કે બોલેરો ફિરોઝપુર ઝિરકાના મહુ ગામના હસીનના નામે રજીસ્ટર્ડ છે. બોલેરોમાં જે બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમાંથી નાસીર નામના વ્યક્તિએ હસીન પાસેથી બોલેરો માંગી હતી. મૃતક જુનૈદ અને નાસીર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના પોલીસ સ્ટેશન ગોપાલગંજ હેઠળના ગામ ઘાટમીકાના રહેવાસી છે. આ મામલાની માહિતી મળતાં જ મૃતકના પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે જુનૈદ અને નાસિરને બજરંગ દળ અને ગૌરક્ષક દળ દ્વારા અપહરણ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.


અપહરણ કરી માર મારી જીવતા સળગાવ્યા


મૃતક જુનેદના ભાઈ જાફરે પોલીસને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો ભાઈ જુનૈદ ગામના રહેવાસી નાસીર સાથે બોલરોથી ભરતપુર ગામમાં પીરુકા જોથરી ગયો હતો. જ્યાં રસ્તામાં બજરંગ દળ અને ગોરક્ષક દળે તેઓનું અપહરણ કરી પીરુકા ગામના જંગલમાં લઈ ગયા હતા. ત્યાં બંનેને ખૂબ માર મારવામાં આવ્યો, ત્યારબાદ તેઓ બંનેને બેભાન અવસ્થામાં હરિયાણાના લોહારુ લઈ ગયા અને બોલરોની અંદર જીવતા સળગાવી દીધા. મૃતક જુનૈદના ભાઈ જાફરે આ ઘટના માટે બજરંગ દળના ગૌરક્ષા વિભાગના રાજ્ય સંયોજક મોનુ નુંહ અને શ્રીકાંત અને લોકેશ સિંગલા સહિત આઠથી દસ લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.