ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 12 લોકોના ડૂબી જવાથી મોત
abpasmita.in | 13 Sep 2019 05:32 PM (IST)
મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે તપાસમાં જેમની પણ લાપરવાહી સામે આવશે તેની સામે કાર્યવાહી કરાશે. સાથે સીએમ કમલનાથે મૃતકોના પરિવારને 11-11 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
ભોપાલ: ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટી જતાં 12 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ મામલે બોટ ચલાવનાર નાવિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. ભોપલા શહેરના પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના ખટલાપૂરા ઘાટ પાસે શુક્રવારે લગભગ 4.30 વાગ્યે બની હતી. લોકો જ્યારે ગણેશ વિસર્જન કરી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે તપાસમાં જેમની પણ લાપરવાહી સામે આવશે તેની સામે કાર્યવાહી કરાશે. સાથે સીએમ કમલનાથે મૃતકોના પરિવારને 11-11 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. પોલીસે જણાવ્યું બે બોટમાં 17 લોકો સવાર હતા. 12નાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે 6 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકો શહેરના પિપલાણી વિસ્તારના હતા.