નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય સતાવાર પ્રવાસ પર ભૂટાનમાં છે. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ અને વડાપ્રધાન મોદીએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બીજા  કાર્યકાળની શરૂઆતમાં ભૂટાન આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. ભૂટાન અમારો પાડોશી છે. આ અમારુ સૌભાગ્ય છે. બંન્ને દેશ મળીને આગળ વધી રહ્યા છે. જે પાડોશી  દેશમાં જ્યાં વિકાસ આંકડાઓ નહી પરંતુ હેપિનેસથી આંકવામાં આવે એવો પાડોશી કોણ નહી ઇચ્છે. બંન્ને દેશો વચ્ચે હાઇડ્રો પાવર અને શિક્ષણ સહિત પાંચ ક્ષેત્રોમાં કરાર પર હસ્તાક્ષર થયા હતા. વડાપ્રધાન મોદીએ ભૂટાનના  વડાપ્રધાન સાથે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, 130 કરોડ ભારતીયોના દિલમાં ભૂટાનનું વિશેષ સ્થાન છે. હું ખૂબ ખુશ છું કે હું મારા બીજા  કાર્યકાળની શરૂઆતમાં ભૂટાન આવ્યો છું.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમને ખુશી છે કે ભૂટાનમાં આજે અમે રૂપે કાર્ડને લોન્ચ કર્યું છે. તેનાથી વ્યાપારમાં મદદ મળશે અને આપણી સંયુક્ત વારસો મજબૂત થશે. ભૂટાનમાં વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન શેરિંગે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યુ હતું.


મીડિયા સાથેની વાતચીતમાં શેરિંગે કહ્યું કે- ભારત અને ભૂટાન ભલે જ સાઇઝ મામલામાં અલગ અલગ છે પરંતુ બંન્નેનો વિશ્વાસ, મૂલ્ય અને પ્રેરણા એક જેવા છે. 2014માં ભૂટાનના પ્રથમ પ્રવાસ પર જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા હતા ત્યારે તેમણે મને કહ્યુ હતું કે, ભૂટાન અને ભારત ફક્ત સરહદના કારણે નજીક નથી  પરંતુ આપણે દિલ એકબીજા માટે ખોલ્યા છે.  નોંધનીય છે કે ભૂટાનના વડાપ્રધાને વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યુ હતું. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બંન્ને દેશોના દ્ધિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભૂટાનના નેતાઓ સાથે ચર્ચા કરશે.