નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી કોગ્રેસ નેતાઓ તરફથી સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે, હવે કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે કહ્યુ કે, આશા છે કે કોર્ટ હવે તેના પર કોઇ એક્શન લેશે. તેમણે જમ્મુ કાશ્મીર કોગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ અહમદ મીરની નજરબંદી પર પણ સવાલ ઉઠાવ્યા છે.


મનમોહનસિંહ સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા પી ચિદંબરમે  શનિવારે અનેક ટ્વિટ કરી જમ્મુ કાશ્મીરના મામલા પર સરકારની નીતિઓને લઇને સવાલ ઉઠાવ્યા છે. એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, મને આશા છે કે કોર્ટ એક્શન લેશે અને નાગરિકોની સ્વતંત્રતા સુનિશ્વિત કરશે. સરકારને નાગરિકોની સ્વતંત્રતા છીનલી લેવાનો કોઇ અધિકાર નથી. આ બંધારણની કલમ 21નો ભંગ છે.


તેમણે કોગ્રેસના જમ્મુ કાશ્મીર પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરનેહાઉસ અરેસ્ટ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કોઇ પણ પ્રકારના લેખિત આદેશ વિના જમ્મુમાં તેમને નજરબંદ કરવું પુરી રીતે ગેરકાયદેસર છે. નોંધનીય છે કે મોદી સરકારે છેલ્લા પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની બે મુખ્ય જોગવાઇઓ હટાવી દીધી હતી. મોદી સરકારના આ પગલાનો કોગ્રેસ સહિતની પાર્ટીઓ વિરોધ કરી રહી છે.