નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની બીજી લહેર શમી રહી છે પણ ત્રીજી લહેર વિશે ચેતવણી અપાઈ રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ કઈ રીતે ફેલાય છે એ વિશે મહત્વની ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાાનિક સલાહકારની ઓફિસે આપેલી ચેતવણી પ્રમાણે, એરોસોલ અને ડ્રોપલેટસ કોરોના વાયરસ ફેલાવાનાં મુખ્ય બે કારણો છે.


એરોસોલ એટલે કે હવામાં વાયરસ ફેલાય તેનાથી ચેપ લાગી શકે અને ડ્રોપલેટ્સ એટલે કે છીંક ખાવાથી, થૂંકવાથી કે અન્ય કોઈ રીતે શરીરમાંથી નિકળતા વાયરસના કારણે કોરોનાનો ચેપ લાગી  શકે છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિના શ્વાસ છોડવાથી, બોલવાથી, હસવાથી અને છીંક ખાવાથી લાળ અને નાકમાંથી જે હવા નીકળે છે તેમાં વાયરસ પણ હોય છે કે જે બીજાને ચેપ લગાડી શકે છે. આ વાયરસ બે મીટર સુધી ફેલાઈ શકે છે.


આ ચેતવણી પ્રમાણે કોરોનાથી સંક્રમિત વ્યક્તિ છીંક ખાય કે બીજી રીતે કોરોના વાયરસ હવામાં ફેંકે પછી આ ડ્રોપલેટ હવામાં બે મિટર સુધી જઈ શકે છે. આ ડ્રોપલેટસને એરોસોલ એટલે કે 10 મિટર સુધી આગળ વધારી શકે છે અને તેના કારણે સંક્રમણનો ખતરો પેદા થાય છે. 


મુખ્ય વૈજ્ઞાાનિક સલાહકારના કાર્યાલયના કહેવા પ્રામણે કોરોના સંક્રમણની ચેન તોડવા કોવિડ પ્રોટોકોલનુ પાલન બહુ જરૂરી છે. આ પ્રોટોકલ પ્રમાણે, દરેક વ્યક્તિએ માસ્ક પહેરવા જોઈએ,  હાથ ધોતા રહેવુ જોઈએ અને શક્ય હોય તેટલુ વધારે અંતર એક બીજાથી રાખવુ જોઈએ.  એક સંક્રમિત વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાતાં એક સપ્તાહ જેટલો સમય પણ નિકળી જાય છે.


આ દરમિયાન તે બીજાને પણ સંક્રમિત કરી શકે છે. જેમનામાં લક્ષણ નથી દેખાતા તેવા લોકો પણ વાયરસ ફેલાવી શકે છે. નવી ગાઈડલાઈન પ્રમાણે બંધ અને જ્યાં હવાની અવરજવર ઓછી હોય તેવા સ્થળોએ ડ્રોપલેટ અને એરોસોલના કારણે કોરોનાનુ સંક્રમણ ફેલાવાનુ જોખમ વધી જાય છે.