નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ઘટી રહ્યો અને કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે પણ કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં બીજા રોગો વધી રહ્યા છે. કોરોનના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં મ્યુકર માઇકોસિસના કેસ વધી રહ્યો છે તો બીજી તરફ કોરોનામાંથી સાજા થયેલા દર્દીમાં હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે.


બ્રિટનની ઓક્સફર્ડ જર્નલના અહેવાલ પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે અને તેમના માટે 'રીક્વરી ફેઝ' જોખમી પુરવાર થઇ રહ્યો છે. કોરોનાના ગંભીર લક્ષણો હોય છતાં સાજા થયેલા દર્દીઓ પૈકી 50 ટકા દર્દી હાર્ટ એટેકનો ભોગ બને છે.


આ જર્નલના અહેવાલ પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા કેટલાક દર્દીઓને હાર્ટ એટેકનો સામનો કરવો પડે તેનું પ્રમાણ ભારતમાં ખતરનાક રીતે વધી રહ્યું છે. સંખ્યાબંધ દર્દીઓએ કોરોનાથી સાજા થયાના થોડા સમયમાં હાર્ટ એટેકનો સામનો કરવો પડતો હોય છે.  ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સના ટાસ્ક ફોર્સે પણ આ વાતને સમર્થન આપ્યું છે. એઈમ્સ ટાસ્ક ફોર્સે આ વાત  સ્વિકારતાં કહ્યું છે કે, કોરોના એક વાયરલ બિમારી છે અને કોરોના સંક્રમણ થતાં આ વાયરસ ફેફસાં સાથે શરીરના અન્ય અંગોને પણ વત્તે-ઓછે અંશે નુકસાન કરે છે. તેના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે.


મેડિકલ નિષ્ણાતોના મતે, આ પહેલા  હાર્ટ એટેક આવ્યો હોય કે હૃદયની બિમારી ધરાવતા દર્દીઓ હોય તેમણે કોરોનાથી સાજા થયા બાદ થોડા સમય સુધી પૂરતી કાળજી રાખવી જોઇએ.


કોરોનાની સારવાર દરમિયાન જે દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે તેમનું લોહી ગંઠાય નહીં માટે એન્ટિકોએગ્લન્ટ દવા આપવામાં આવે છે.  આ દવા અન્ય કોઇ આડઅસર ઉત્પન્ન કરતી નથીન પરંતુ દર્દીઓએ રેગ્યુલર રૂટિન ચેક અપ સાથે યોગ્ય આહાર લેવો જોઇએ.'