દેશભરમાં આકરી ગરમી યથાવત છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રી (49.9 ડિગ્રી) ની નજીક પહોંચી ગયું છે. તેણે છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર પણ આકરી ગરમીની ઝપેટમાં છે. ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળાની રજાઓ છે પરંતુ બિહારમાં હજુ સ્કૂલોમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બુધવારના રોજ બિહારના બેગુસરાયની શાળાઓમાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓ બેહોશ થઈ રહી છે.
શેખપુરાની એક શાળામાં ગરમીના કારણે 24 વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ હતી. શેખપુરાની એક શાળામાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થિનીઓની તબિયત એટલી લથડી હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. કાળઝાળ ગરમીને કારણે શેખપુરા જિલ્લાના અરિયરી બ્લોક હેઠળ મનકૌલ મધ્ય વિદ્યાલય સહિત ઘણી શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ. ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વર્ગખંડમાં બેહોશ થઈ ગઈ હતી.
વાસ્તવમાં મટિહાની બ્લોકની મટિહાની મધ્ય વિદ્યાલયમા કાળઝાળ ગરમીને કારણે લગભગ 18 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી. જેમને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી રહી છે. બેગુસરાયમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, આકરી ગરમી છતાં તમામ શાળાઓ ખુલ્લી છે.
મધ્ય વિદ્યાલય મટિહાનીમાં 10 વાગ્યાની આસપાસ અચાનક સ્કૂલની વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જવા લાગી હતી. આ પછી શાળાના આચાર્ય ચંદ્રકાંત સિંહ દ્વારા સૌપ્રથમ ઓઆરએસ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં સ્વાસ્થ્ય ના સુધારતા તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
હાલ 14 વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાળાના પ્રિન્સિપાલ ચંદ્રકાંત સિંહે જણાવ્યું કે, ખૂબ જ ગરમી છે, શાળામાં પંખા છે અને વીજળી તેમજ જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ છતાં ગરમીના કારણે વિદ્યાર્થીનીઓ બેહોશ થવા લાગી છે. શાળામાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમની હાલત વધુ બગડતાં તમામ છોકરીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
બાળકોના બીમાર હોવાની જાણ થતાં પરિવારના સભ્યો હોસ્પિટલ અને શાળાએ પહોંચવા લાગ્યા હતા, જેના કારણે બાળકોને શાળામાં મધ્યાહન ભોજન ખવડાવવામાં આવ્યું હતું અને 10 વાગ્યા પછી રજા આપવામાં આવી હતી. જોકે, તેમણે સરકારી ગાઈડલાઈન વિરુદ્ધ રજા આપી છે. સારવાર કરી રહેલા હોસ્પિટલના તબીબ રાહુલ કુમારે જણાવ્યું કે, વિદ્યાર્થીનીઓ ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી. હાલમાં બાળકોને ગ્લુકોઝ અને ઓઆરએસ આપવામાં આવી રહ્યું છે અને તમામની સારવાર કરવામાં આવી રહી છે.