Big Updates: દેશભરમાં અત્યારે આકરી ગરમી પડી રહી છે, સૂર્ય બરાબર તપી રહ્યો છે. અનેક વિસ્તારો આકરી ગરમીની ઝપેટમાં છે. આ વખતે પહાડો પણ ગરમીની ઝપેટમાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ સુધીના અનેક વિસ્તારોમાં પારો 45થી ઉપર પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીને જોતા જમ્મુ-કાશ્મીર પ્રશાસને જાનવરો દ્વારા માલસામાનની હેરફેર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ દરરોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી અમલમાં રહેશે.


જમ્મુના જિલ્લા મેજિસ્ટ્રેટ સચિન કુમાર વૈશ્યના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટૂ એનિમલ્સ એક્ટ 1965ની કલમ 6 હેઠળ કોઈપણ વ્યક્તિ બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે કોઈપણ વાહન ખેંચવા અથવા કોઈપણ ભાર વહન કરવા માટે કોઈપણ પ્રાણીનો ઉપયોગ કરી શકશે નહીં અથવા તેને લઈ શકશે નહીં. પૂર્ણ ભારે ગરમીમાં ભેંસ, બળદ, ટટ્ટુ, ખચ્ચર, ગધેડો અને ઊંટ સહિતના અન્ય પ્રાણીઓ ઘાયલ અથવા મૃત્યુ પામી શકે છે.


જમ્મુના જિલ્લા મેજિસ્ટ્રેટ સચિન કુમાર વૈશ્ય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે, અને આગામી બે મહિના સુધી અમલમાં રહેશે. આદેશમાં સ્પષ્ટ છે કે જે કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તેની સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.






જમ્મુમાં આગામી 7 દિવસ ગરમીથી રાહત નહીં 
જમ્મુમાં પણ આ વખતે ભારે ગરમી છે. IMD અનુસાર, જમ્મુમાં આગામી સાત દિવસ સુધી આકરી ગરમી યથાવત રહેશે. સોમવારે જમ્મુમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હતું. આ પ્રદેશ છેલ્લા અઠવાડિયાથી ભારે ગરમીનો સામનો કરી રહ્યો છે અને 16 મેથી તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું છે.