પટનાઃ બિહારના પટના શહેરમાં સુલતાનગંજ વિસ્તારમાં ડ્રગ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમારના ઘરે સર્વેલન્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ટીમે ચલણી નોટોથી ભરેલી પાંચ બોરીઓ, જમીનના ડઝનેક કાગળો, સોના-ચાંદીના દાગીના, ચાર લક્ઝરી કાર અને અનેક બેંકોના એટીએમ કાર્ડ જપ્ત કર્યા હતા.
વાસ્તવમાં ડ્રગ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર વિરુદ્ધ સર્વેલન્સ વિભાગ દ્વારા અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટમાંથી દરોડા પાડવાની મંજૂરી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સર્વેલન્સ વિભાગની ટીમે પટના શહેરના સુલતાનગંજ, પટનાના ગોલા રોડ, જહાનાબાદ અને ગયા સ્થિત ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમારના સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટીમે કરોડો રૂપિયાની ગેરકાયદેસર મિલકતનો ખુલાસો કર્યો હતો.
સર્વેલન્સ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે જિતેન્દ્રના ચારેય અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જપ્ત કરાયેલા સામાનની કિંમત આંકવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 4 કરોડથી વધુની ચલણી નોટ જપ્ત કરવામાં આવ્યા છે. ચલણી નોટ ગણવા માટે મશીનો મંગાવવી પડી હતી.
ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમાર ફરાર
સર્વેલન્સ વિભાગના ડીએસપી સુરેન્દ્ર કુમાર મૌઆરે જણાવ્યું હતું કે અપ્રમાણસર સંપત્તિ કેસમાં ડ્રગ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હાલમાં આ એફઆઈઆરના આધારે જિતેન્દ્ર કુમારના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ જીતેન્દ્ર કુમાર ફરાર છે. અત્યાર સુધીમાં કરોડો રૂપિયા રોકડા, જમીનના ઘણા કાગળો, સોના-ચાંદીના દાગીના, ચાર લક્ઝરી કાર સહિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે.