પટના: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ કૉંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કૉંગ્રેસે બુધવારે પ્રેસ કોન્ફ્રન્સ કરી ઘોષણાપત્ર જાહેર કર્યો હતો, જેનું નામ બદલીને પાર્ટીએ પરિવર્તન પત્ર રાખ્યું છે. પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં બિહારના ખેડૂતોને વીજળીમાં ઘટાડો, લોન માફી અને દિકરીને ન્યાય આપવા પર વિશેષ ભાર આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિહારના કૉંગ્રેસ પ્રભારી શક્તિ સિંહ ગોહિલ, કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા, રાજ બબ્બર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.


આ સિવાય બેરોજગારોને દર મહિને 1500 રૂપિયા ભથ્થુ, કેજીથી લઈ પીજી સુધી દિકરીઓને મફત શિક્ષણ , શાળામાં મૈથિલી ભાષા ફરજીયાત વિષય કરવા, 12માંમાં 90 ટકાથી વધુ લાવનાર દીકરીઓને સ્કૂટી આપવા. 18 મહિનામાં બે લાખ, 42 હજાર શિક્ષક પદો પર ભરતી, દેવાલય યાત્રા યોજના સિયારામ તીર્થસ્થાન યોજના, સૂફી વિકાસ યોજના, પત્રકાર સુરક્ષા કાયદો લાવવાની જાહેરાત કરાઈ છે.


ઉલ્લેખનીય છે કે, બિહાર ચૂંટણીમાં આરજેડી અને વામ દળો સાથે ગઠબંધન હેઠળ કૉંગ્રેસ 70 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે આરજેડી 144 અને વામ દળ 29 સીટો પર ચૂંટણી લડી રહ્યું છે. બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન યોજાશે અને મતગણતરી 10 નવેમ્બરે થશે.