અમદાવાદઃ કોરોનાના પ્રકોપની વચ્ચે બટેટાના ભાવમાં આ વર્ષે ઐતિહાસિક ઉછાળો જોવા મળઅયો છે. કોલ્ડ સ્ટોરેજમાંથી વેચાતા 1 મણ બટાકાનો ભાવ જે 300 રૂપિયા હતો તે હાલમાં 800 રૂપિયા બોલાઈ રહ્યો છે.


બટાકામાં પણ લોકર જાતના બટાકાનો ભાવ સૌથી ઉંચો બોલાઈ રહ્યો છે. ઉપરાંત ડીસા વિસ્તારમાં વાવામાં આવતા પુખરાજ જાતના બટાકાનો ભાવ પ્રતિ કિલો 25થી 30 રૂપિયા એટલે કે 600 રૂપિયાએ મણ બોલાઈ રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષથી મંદીનો સામનો કરી રહેલ બટાકાનો વ્યવસાય મરણ પથારીએ આવી ગયો હતો. જોકે આ વર્ષે ભાવ ઉછાળા માટે કારણ આપતા વેપારીઓએ કહ્યું કે, આ વર્ષે ઉત્તર પ્રદેશ અં બંગાળમાં બટાકાનું અંદાજે 15 ટકાથી વધારે વાવેતર નિષ્ફળ ગયું હતું. જેની સીધી અસર આખા દેશમાં જોવા મળી છે. આ જ કારણે ગુજરાતમાં પણ બટાકાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

બીજી બાજુ ડુંગળીના ભાવે પણ સામાન્ય લોકોને રોવડાવ્યા છે. રિટેલ બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 90 રૂપિયા બોલાઈ રહ્યો છે. સંગ્રહખોરી અને પાછોતરા વરસાદને કારણે પાકને થયેલ નુકસાનને કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.