સર્વે અનુસાર ફરીથી એનડીએની સરકાર આવે તેવી શક્યતા છે. સર્વે અનુસાર બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકમાંથી 160 બેઠક પર એનડીએ જીતે તેવી શક્યતા છે. સર્વેમાં મહાગઠબંધનને ફરી નિરાશા હાથ લાગે તેવી શક્યતા છે. ટાઈમ્સ નાઉના અને સી વોટર દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
સર્વે અનુસાર આરજેડીના નેતૃત્વવાળા મહાગઠબંધનને 76 બેઠકો મળે તેવી શક્યતાઓ છે. જેમાં અન્યને 7 બેઠકો અને એલજેપીને 5 બેઠકો મળી શકે છે. જ્યારે એનડીએની વાત કરીએ તો એનડીએને ફાળે આવનારી 160 બેઠકોમાંથી ભાજપને 85, જેડીયુને 70 અને હમ અને વીઆઈપીને 5 બેઠકો મળે તેવી શક્યતાઓ છે. જ્યારે મહાબઠબંધનમાં આરજેડીને 56, કોંગ્રેસને 15 અને લેફ્ટને 5 બેઠક મળે તેવી શક્યતા છે.
સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, આ ચૂંટણીમાં તેમના માટે સૌથી મહત્વનો મુદ્દો કયો છે લગભગ 49 ટકા લોકોએ કહ્યું હતું કે, તેમના માટે સૌથી મોટો મુદ્દો નોકરી છે. જ્યારે સર્વેમાં ભાગ લેનારાઓમાંથી 12.9 ટકા લોકોએ વીજળી, પાણી અને રસ્તાઓને મુખ્ય મુદ્દો ગણાવ્યો હતો. 8.7 ટકા લોકોએ ભ્રષ્ટાચારને મુદ્દો ગણાવ્યો તો 7.1 ટકાએ મહિલાઓની સુરક્ષા અને 6.7 ટકા લોકેએ શિક્ષણને મોટો મુદ્દો ગણાવ્યો છે.