પટનાઃ બિહારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.આ કારણે સરકારે રાજ્યમાં સંક્રમણના વધતા ખતરાને જોતા લોકડાઉન લંબાવવાનો ફેંસલો કર્યો છે. સરકાર તરફથી આ અંગે નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, રાજ્યમાં વર્તમાન સ્થિતિને જોતાં લોકડાઉન આગળ વધારવામાં આવી રહ્યું છે.


બિહારમાં પહેલા 16 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું. જેની સમય મર્યાદા ગઈકાલે રાતે 12 વાગ્યા પછી પૂરી થતાં રાજ્ય સરકારે તેને લંબાવવાનો ફેંસલો લીધો હતો. જે મુજબ બિહારમાં ધાર્મિક સ્થળોને બંધ રાખવામાં આવશે. કોઈપણ પ્રકારના ભીડભાડવાળા ધાર્મિક, રાજકીય, સામાજિક કે સાંસ્કૃતિક આયોજનો પર રોક રહેશે. બસ  સેવાઓ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.



જોકે નવા આદેશમાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. જે અંતર્ગત વ્યવસાયિક અને ખાનગી ઓફિસો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા પણ 33 થી વધારીને 50 ટકા કરી દેવામાં આવી છે. પાર્ક, જીમ અને શૈક્ષણિક સંસ્થાઓ પહેલાની જેમ જ બંધ રહેશે.

બેંક, આઈટી અને સંબંધિત સેવાઓ, પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, ઈન્ટરનેટ, ટેલીફોન, ઈ કોમર્સ, પેટ્રોલ પંપ, વીજળી ઉત્પાદન, કરિયાણાની દુકાન, દૂધ અને કૃષિ ઉત્પાગન સંબંધિત દુકાનો તથા સેવાઓને છૂટ આપવામાં આવી છે. માત્ર હોમ ડિલિવરીના વિકલ્પ સાથે રેસ્ટોરાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મેડિકલ અને ઈમરજન્સી સેવાઓને લોકડાઉન પ્રતિબંધ લાગુ નહીં થાય.

બિહારમાં કોરોનાના 31,059 એક્ટિવ કેસ છે. રાજ્યમાં 72,324 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે, જ્યારે 461 લોકોના મોત થયા છે.