બિહારમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ગુરુવારે નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ચૂંટણીમાં NDA એ 243 માંથી 202 બેઠકો જીતી હતી. ભાજપે 89, JDU એ 85, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ 19, હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) એ પાંચ અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી. નીતિશ કેબિનેટમાં કુલ 27 મંત્રીઓએ શપથ લીધા હતા.
કેન્દ્રીય મંત્રી અને LJP (રામવિલાસ) સુપ્રીમો ચિરાગ પાસવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પાર્ટીના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે જન સૂરાજના સંસ્થાપક પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું હતું. તેમણે તેની વાતો પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "મને લાગે છે કે લોકોએ વિપક્ષ અને તેમના તમામ આરોપોને પહેલાથી જ ઘણા જવાબ આપી દીધા છે. પછી તે પ્રશાંત કિશોર હોય કે બીજું કોઈ, તેમનો ઘમંડ ચરમસીમાએ પહોંચી ગયો હતો."
"જો મારા પિતા હોત તો તેઓ ખુશ થયા હોત"
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું, "આ પાર્ટી માટે એક મોટી સફળતા છે. મારુ માનવું છું કે તે મારા નેતા, મારા પિતા રામવિલાસ પાસવાનના આશીર્વાદને કારણે છે. હું આજે ખૂબ ખુશ છું. એ જાણીને કે તેઓ જ્યાં પણ હશે તેઓ પાર્ટીની જીત અને આ સફળતાથી ખુશ હશે. તેઓ અમને આશીર્વાદ આપી રહ્યા હશે. અમે તેમનો આદર કરીએ છીએ.
મંત્રીમંડળમાં 10 નવા ચહેરાઓ
નવી સરકારના 26 સભ્યોના મંત્રીમંડળમાં અનુભવી નેતાઓ સાથે 10 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે, જેમાં જાતિ અને પ્રાદેશિક સંતુલન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. નીતિશ કુમારે ગુરુવારે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ પ્રસંગે પીએમ મોદી સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર
નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. રાજ્યપાલે નીતિશ કુમારને પદના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત અન્ય 26 મંત્રીઓએ શપથ લીધા હતા. નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા ઉપરાંત શપથ લેનારાઓમાં વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, મંગલ પાંડે, દિલીપ જયસ્વાલ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સહની,નીતિન નવીન, રામ કૃપાલ, સંતોષ સુમન, સુનીલ કુમાર, જમા ખાન, સંજય સિંહ ટાઈગર, અરુણ શંકર, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ, લખેન્દ્ર કુમાર રોશન, શ્રેયસી સિંહ, પ્રમોદ કુમાર, સંજય કુમાર, સંજય કુમાર સિંહ, અને દીપક પ્રકાશે મંત્રી પદના શપથ લીધા હતા.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA એ કુલ 202 બેઠકો જીતી હતી. ભાજપે 89 બેઠકો જીતી હતી. નીતિશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) 85 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (R) એ 19 બેઠકો જીતી હતી. હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) એ પાંચ બેઠકો જીતી હતી, અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી.