નવી દિલ્હી: કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યો પાર્ટી હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે, જેનાથી રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર મંત્રી એન. ચલુવરાયસામી અને ધારાસભ્યો ઈકબાલ હુસૈન, એચ. સી બાલકૃષ્ણ, એસ.આર. શ્રીનિવાસ અને ટી.ડી. રાજેગૌડા દિલ્હી પહોચ્યા છે. અહીં આ નેતાઓ પાર્ટી હાઈકમાન્ડને મળશે.
ડીકે શિવકુમાર સમર્થકો દિલ્હી પહોંચ્યા
ડીકે શિવકુમારના સમર્થક ધારાસભ્ય ટી.ડી. રાજેગૌડાએ કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરી. ડીકે શિવકુમાર જૂથ આગ્રહ કરી રહ્યું છે કે સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકારે અઢી વર્ષ પૂર્ણ કર્યા છે અને નક્કી કરાર મુજબ શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. દિલ્હી પહોંચેલા તમામ નેતાઓ આ કરાર પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરશે.
'સિદ્ધારમૈયા અઢી વર્ષનું પોતાનું વચન પૂરું કરશે'
ડીકે શિવકુમારના ભાઈ અને બેંગલુરુ ગ્રામીણના ભૂતપૂર્વ લોકસભા સાંસદ ડીકે સુરેશે ગુરુવારે (20 નવેમ્બર, 2025) કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અઢી વર્ષનું પોતાનું વચન પૂરું કરશે. સીએમ સિદ્ધારમૈયાનું કહેવું છે કે અઢી વર્ષ પછી મંત્રીમંડળમાં ફેરબદલની વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે તેમનું રેકોર્ડ 17મું બજેટ રજૂ કરશે.
મારી સત્તા અત્યારે અને ભવિષ્યમાં સુરક્ષિત છે: સિદ્ધારમૈયા
કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું, "મારી સત્તા અત્યારે અને ભવિષ્યમાં સુરક્ષિત છે. જનતાને આપેલા વચનો પૂરા કરવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યો છું. તે એક અંધશ્રદ્ધા છે કે જો હું ચામરાજનગર આવીશ તો હું સત્તા ગુમાવીશ. હું ચામરાજનગર જાઉં છું કારણ કે હું અંધશ્રદ્ધા અને અફવાઓમાં માનતો નથી. હું રાજ્યના તમામ જિલ્લાઓ સાથે સમાન વર્તન કરું છું અને તમામ જિલ્લાઓની મુલાકાત લઉં છું."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે, ત્યારે સિદ્ધારમૈયાએ કહ્યું, "આ એક બિનજરૂરી ચર્ચા છે. અઢી વર્ષ પછી મંત્રીમંડળમાં ફેરબદલની જાહેરાત થયા પછી જ મુખ્યમંત્રી બદલવાનો મુદ્દો સામે આવ્યો છે. પાર્ટીના નેતાઓએ મંત્રીમંડળમાં ફેરબદલ અંગે નિર્ણય લેવાની જરૂર છે. કુલ 34 મંત્રી પદો છે, જેમાંથી બે ખાલી છે. આ ખાલી મંત્રી પદો કેબિનેટ ફેરબદલ દરમિયાન ભરવામાં આવશે."