પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના અંતીમ અને ત્રીજા તબક્કા માટે 78 બેઠકો પર મતદાન શરૂ થયું છે. જેમાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. વિધાનસભાની કુલ બેઠકોમાંથી માત્ર 78 બેઠકો પર જ હવે મતદાન બાકી છે તેથી આ તબક્કો પૂર્ણ થઇ ગયા બાદ સૌ કોઇની નજર પરિણામો પર રહેશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ 10મી તારીખે જાહેર કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ મતદાન કરવાની અપીલ કરી છે.




પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કર્યું છે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. તમામ મતદારોને મારી વિનંતી છે કે તેઓ મોટી સંખ્યામાં લોકતંત્રના આ પર્વમાં ભાગીદાર બને અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે અને હા માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન પણ રાખે.

ત્રીજા તબક્કાના મતદાન પહેલા લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે જે રીતે લોકો બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ સાથે જોડાઈ રહ્યા છે, મારુ માનવું છે કે આ તબક્કામાં પણ અમારૂ પ્રદર્શન સારૂ રહેશે. એક વાત સ્પષ્ટ છે કે નીતીશ કુમાર ક્યારેય મુખ્યમંત્રી નહી બને.

ત્રીજા અને અંતિમ તબક્કામાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે તેમાં 1094 પુરૂષો અને 110 મહિલાઓનો સમાવેશ થાય છે. જે મોટા નેતાઓના ભાવી આ તબક્કામાં નક્કી થશે તેમાં વર્તમાન વિધાનસભા સ્પીકર વિજય કુમાર ચૌધરી અને અન્ય 12 મંત્રીઓ તેમજ શરદ યાદવના પુત્રી સુભાષિની યાદવનો પણ સમાવેશ થાય છે.