બિહાર ચૂંટણીમાં બીજા તબક્કાની 94 બેઠકોમાંથી ગત ચૂંટણીમાં આશરે એક તૃતિંયાંશ પર આરજેડીએ જીત નોંધાવી હતી. આ તબક્કામાં મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને રાજદના અધ્યક્ષ લાલૂ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવ, તેના ભાઈ અને પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ સહિત ઘણા દિગ્ગજોની કિસ્મત નક્કી થવાની છે. બીજા તબક્કાની જે 94 બેઠકો પર મતદાન થવાનું છે તેમાં ગત ચૂંટણીમાં આરજેડીએ 33, જેડીયૂએ 30 જ્યારે કૉંગ્રેસના સાત ધારાસભ્યો જીત્યા હતા, જ્યારે એનડીએને માત્ર 22 બેઠકો મળી હતી.
રાજદે 56 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે
આ ચૂંટણીમાં રાજદે 56 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે અન્ય બેઠકો પર સહયોગી ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 27 બેઠકો પર ભાજપ સાથે આરજેડીનો સીધો મુકાબલો છે જ્યારે 25 બેઠકો પર જેડીયૂ સામે લડાઈ છે. ભારતીય જનતા પાર્ટી આ તબક્કાની ચૂંટણીમાં 46 ઉમેદવાર જ્યારે સહયોગી પાર્ટી જેડીયૂ 43 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.