પટનાઃ બિહારના એક પ્રોફેસરે અનોખો દાખલો બેસાડ્યો છે. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર બિહાર યુનિવર્સિટીની નીતીશ્વર સિંહ કોલેજમાં કામ કરતા આસિસ્ટન્ટ પ્રોફેસર લલન કુમારે બે વર્ષ અને 9 મહિનાના પગારમાં મળેલા 23 લાખ રૂપિયા કોલેજ પ્રશાસનને પરત કર્યા હતા. તેમના કહેવા પ્રમાણે તેઓ એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવવા માંગે છે, પરંતુ વિદ્યાર્થીઓ આવતા નથી. તેનો અભ્યાસ વ્યર્થ જઈ રહ્યો છે તેથી તેમણે આ પગલું ભર્યું છે.


લલન કુમાર મંગળવારે 23 લાખ રૂપિયાનો ચેક લઈને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પાસે પહોંચ્યા અને રકમ ઉપાડી લેવા વિનંતી કરી હતી. તેઓ કહે છે કે જ્યારે વિદ્યાર્થીઓ ભણવા આવતા નથી તો પછી પગાર કેમ લેવો? જો કે, રજીસ્ટ્રારે તેમની અરજી લઇને તેઓને ચેક પરત કર્યો હતો.


વાઈસ ચાન્સેલરને લખેલા પત્રમાં મુઝફ્ફરપુરની નીતિશ્વર સિંહ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર લલન કુમારે કહ્યું હતું કે તેઓ એમએના વિદ્યાર્થીઓના ક્લાસ લેવા માંગે છે, પરંતુ વિદ્યાર્થીઓ ક્લાસમાં આવતા નથી. તેમણે વાઇસ ચાન્સેલરને RDS અથવા MDDM કૉલેજમાં ટ્રાન્સફર કરવા વિનંતી પણ કરી હતી. તેમની અરજી પર યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


બીઆર બિહાર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આસિસ્ટન્ટ પ્રોફેસર લલન કુમાર દ્વારા પગાર પરત કરવાના મામલે પ્રોફેસર રામ કૃષ્ણ ઠાકુરે જણાવ્યું  હતું કે તે (લલન કુમાર) 23 લાખ રૂપિયાનો ચેક લાવ્યા હતા. યુનિવર્સિટીમાં પૈસા પાછા આપવાની કોઈ પરંપરા નથી. શિક્ષકને સમજાવ્યા બાદ પરત મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે કોલેજના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરવામાં આવશે.


બીઆર બિહાર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. આર.કે. ઠાકુરે જણાવ્યું હતું કે તે જે કોલેજમાં કામ કરે છે તેમના પ્રિન્સિપાલે કહ્યું કે અમારી જાણ વગર તેમણે સીધી યુનિવર્સિટીમાં અરજી કરી છે. જો તેઓને કોઈ સમસ્યા હતી, તો તેઓએ આચાર્ય સમક્ષ તેને ઉઠાવવી જોઇતી હતી. કોલેજ પ્રશાસનની દલીલો વચ્ચે બિહારમાં આ બાબતની ખૂબ ચર્ચા થઈ રહી છે.