Kaali Poster Controversy: ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીના વિવાદાસ્પદ પોસ્ટર પર લોકોનો ગુસ્સો ભડક્યો છે. સોશિયલ મીડિયાથી લઈને જમીની સ્તર સુધી દરેક લોકો આ ફિલ્મ અને લીના મણિમેકલાઈના પોસ્ટરનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. દરમિયાન હવે ટ્વિટરે આ પોસ્ટરના વિરોધને ધ્યાનમાં લઈને મોટું પગલું ભર્યું છે.

લીનાની વિવાદાસ્પદ પોસ્ટ હટાવીઃ2 જુલાઈના રોજ, શોર્ટ ફિલ્મ કાલીનું પોસ્ટર ફિલ્મની નિર્માતા લીના મણિમેકલાઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં હિન્દુ દેવી મા કાલીને સિગારેટ પીતી બતાવવામાં આવી હતી. આ સાથે કાલીના પોસ્ટરમાં LGBTQ સમુદાયના ધ્વજની ઝલક પણ જોવા મળી હતી. લીના મણિમેકલાઈની આ પોસ્ટ બાદ દેશભરમાં વાતાવરણ ગરમાયું હતું. જે અંતર્ગત હિન્દુ સમુદાયના લોકોની આસ્થાનું અપમાન કરવા બદલ નવો વિવાદ ઉભો થયો છે. આ સ્થિતિમાં હવે સમગ્ર મામલે કાર્યવાહી કરતા સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટરે લીના મણિમેકલાઈના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ફિલ્મના પોસ્ટરવાળી પોસ્ટને સંપૂર્ણપણે હટાવી દીધી છે.

લીના મણિમેકલાઈની ધરપકડની માંગ ઉઠીઃશોર્ટ ફિલ્મ કાલીના આ વિવાદાસ્પદ પોસ્ટરને કારણે લીના મણિમેકલાઈને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે મામલો હાલ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન હિન્દુ સંગઠનોથી લઈને સોશિયલ મીડિયા સુધીના લોકો કાલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મની નિર્માતા લીના મણિમેકલાઈની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ સાથે જ લીના મણિમેકલાઈ વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં કેસ પણ નોંધાયા છે.

કાલી ફિલ્મના પોસ્ટર અંગેના નિવેદન મુદ્દે TMC સાંસદ મહુઆ મોઈત્રા સામે ભોપાલમાં નોંધાઈ FIR

ઈન્ડિયા ટુડે કોન્કલેવ ઈસ્ટ - 2022માં ઉપસ્થિત રહેલાં સાંસદ મહુઆ મોઈત્રાએ કાલી ફિલ્મના પોસ્ટર પર વાત કરતાં જણાવ્યું હતું કે, "મને આ અંગે કોઈ પરેશાની નથી. કાલીના ઘણા રુપ છે. મારા માટે કાલીનો મતલબ માંસ પ્રેમી અને દારુ સ્વિકાર કરનાર દેવી છે. લોકોના અલગ-અલગ મંતવ્ય હોઈ શકે છે મને તેના અંગે કોઈ પરેશાની નથી."

સાંસદ મહુઆ મોઈત્રા સામે મધ્યપ્રદેશની રાજધાની ભોપામાં આઈપીસીની કલમ 295 A હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કલમ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના કેસમાં લગાવામાં આવે છે. આ પહેલાં જબલપુરમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર કાલી ફિલ્મને બનાવનાર લીના મણિમેકલાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે.