હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં, ઝંડુતા વિધાનસભા મતવિસ્તારના બર્થિન નજીક, મંગળવારે સાંજે (7 ઓક્ટોબર) એક ભયાનક ભૂસ્ખલન થયું. ભલ્લુ બ્રિજ પાસે એક ટેકરી પરથી અચાનક ભારે ખડકો અને કાટમાળ બસ પર પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં પ્રારંભિક અહેવાલો મુજબ 18 લોકોનાં કરુણ મૃત્યુ થયાં છે, જ્યારે અન્ય ઘણા મુસાફરો ઘાયલ થયા છે. અંદાજે 30 લોકો બસમાં સવાર હતા. સતત વરસાદને કારણે પહાડી ઢોળાવ નબળો પડવાથી આ દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવે છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને તાત્કાલિક રાહત કામગીરીના નિર્દેશો આપ્યા છે.
હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આવેલા ઝંડુતા વિધાનસભા ક્ષેત્રના બર્થિન વિસ્તારમાં મંગળવારે સાંજે એક ગમખ્વાર ઘટના બની હતી. ભલ્લુ બ્રિજ નજીક પસાર થઈ રહેલી એક બસ પર અચાનક ઊંચી ટેકરી પરથી ભારે કાટમાળ અને મોટા ખડકો ધસી પડ્યા હતા. કાટમાળ બસ સાથે ટકરાતા બસના ફુરચેફુરચા ઉડી ગયા હતા, જેના પરિણામે સ્થળ પર જ 15 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ અકસ્માતમાં અન્ય મુસાફરોને ઈજા પહોંચી છે. રાહતની વાત એ છે કે એક બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત બસમાં લગભગ 30 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ તરત જ, સ્થાનિક રહેવાસીઓએ મદદ માટે દોડી જઈને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો – ઘુમરવિન અને ઝંડુતાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. માહિતી મળતાં જ જિલ્લા વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી રાહત કાર્યને વેગ આપ્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રદેશમાં થઈ રહેલા સતત વરસાદને કારણે જમીન નબળી પડી હશે, જેના કારણે ટેકરીનો ઢોળાવ ધસી પડ્યો અને આ દુર્ઘટના સર્જાઈ.
પ્રશાસન અને મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
ઘટનાસ્થળે હાલ અંધાધૂંધીનો માહોલ છે અને વહીવટીતંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવાની અને તેમની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક રહેવાસીઓ પ્રશાસનને બચાવ કાર્યમાં સક્રિયપણે સહકાર આપી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી, સુખવિંદર સિંહ સુખુ,એ આ મોટી દુર્ઘટના પર ગહન સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના પાઠવી છે અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકાર પીડિત પરિવારોની પડખે મજબૂતીથી ઊભી રહેશે અને તેમને શક્ય તમામ સહાય પૂરી પાડશે.
મુખ્યમંત્રી સુખુ શિમલાથી જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે અને તેમણે રાહત તથા બચાવ કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે કડક નિર્દેશો આપ્યા છે. તેમણે એ વાત સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે કે ઘાયલોને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળે અને તેમની સારવાર માટે હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય.