Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. દોષિતોએ સરેન્ડરનો સમયગાળો વધારવા માટે કોર્ટને અપીલ કરી છે. આ દોષિતોએ વ્યક્તિગત કારણોને ટાંકીને થોડા સમય માટેની છૂટની માંગણી કરી છે.
ગુજરાતના ચર્ચિત બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં સરેન્ડર કરવાનો પણ આદેશ આપ્યો હતો.
11માંથી ત્રણ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણનો સમય વધારવાની માંગ કરી છે. ગોવિંદ નાઈએ કોર્ટ પાસે 4 અઠવાડિયા વધારવાની માંગણી કરી છે જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ 6 અઠવાડિયા વધારવાની માંગણી કરી છે. આ દોષિતોએ અંગત કારણોને ટાંકીને આ માંગ કરી છે.
વાસ્તવમાં 2002માં ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યા હતા. આ પછી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોની ઝપેટમાં બિલકિસ બાનોનો પરિવાર પણ આવી ગયો હતો. બિલકિસ બાનો પર માર્ચ 2002માં ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલકિસ 5 મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં ટોળાએ તેના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરી નાખી હતી. બાકીના 6 સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.
શું છે બિલકિસ બાનો કેસ?
સીબીઆઈ કોર્ટે આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આમાંના એક દોષિતે ગુજરાત હાઈકોર્ટમાં માફીની નીતિ હેઠળ તેને મુક્ત કરવાની માંગણી કરીને અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી. આ પછી દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. મે 2022માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું હતું. આ પછી ગુજરાત સરકારે આ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણ પર ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા.
જસવંત નાઈ, ગોવિંદ નાઇ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપીનચંદ્ર જોષી, કેસરભાઈ વોહનિયા, પ્રદીપ મોર્હહિયા, બકાભાઈ વોહનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે મુક્તિનો નિર્ણય રદ કર્યો છે.