વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથધામના કોરીડોરના લોકાર્પણ માટે વારાણસી ગયા ત્યારે એક યુવતીના પગે પડ્યા હતા. વડાપ્રધાન મોદી આ યુવતીના પગે પડતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ તસવીરોમાં દેખાતી વામન કદની યુવતી આઈ.એ.એસ ઓફિસર આરતી ડોગરા હોવાની ચર્ચા ચાલી હતી. પરંતુ તમે જાણો કોણ છે આરતી ડોગરા.
કહેવાઇ રહ્યું છે કે, આરતી ડોગરાએ કાશી વિશ્વનાથધામના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આરતીની કાશી કોરીડોરમાં મહત્વની જવાબદારીથી પ્રભાવિત થઈને મોદી તેમને પગે લાગ્યા હોવાની વાત પણ વહેતી થઈ હતી.
કોણ છે આરતી ડોગરા?
આરતી ડોગરા મહિલા આઇએએસ અધિકારી છે, જેનુ કદ સાડા ત્રણ ફૂટનુ જ છે, આરતીનો જન્મ ઉત્તરાખંડના દેહરાદુન જિલ્લામાં થયો હતો. આરતીના પિતાનુ નામ કર્નલ રાજેન્દ્ર ડોગરા અને માં કુમકુમ ડોગરા છે, જે એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક હતી, આરતી ડોગરા માતાપિતાની એકમાત્ર સંતાન છે.
આરતી ડોગરાનો શરૂઆતી અભ્યાસ બ્રાઇટલેન્ડ સ્કૂલમાં થયો હતો, બાદમાં દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી સ્નાતક કર્યુ છે. પછી દેહરાદુન જઇને તેને પૉસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી છે.બાદમાં યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી. બાદમાં વર્ષ 2006 બેચની રાજસ્થાન કેડરની આઇએએસ ઓફિસર છે. આરતી ડોગરા પહેલા ડિસ્કૉમની મેનેજિંગ ડાયરેક્ટર રહી ચૂકી છે.બાદમાં અજમેરમાં જિલ્લાધિકારી તરીકે તૈનાત રહી. ખાસ વાત છે કે, આરતી ડોગરાએ ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ માટે સ્વચ્છતા મૉડલ બન્કો બિકાણો શરૂ કર્યુ, જેની પ્રસંશા ખુદ પીએમ મોદીએ કરી હતી.
તસવીરમાં દેખાતી યુવતી નથી આરતી ડોગરા-
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં જે યુવતી છે તેને આરતી ડોગરા કહેવામા આવી રહી છે. જો કે હવે ખુલાસો થયો છે કે, આ યુવતી આરતી ડોગરા નહીં પણ શિખા રસ્તોગી છે. શિખા રસ્તોગી વારાણસી ભાજપની મહિલા શાખામાં ઘણા સમયથી સક્રિય છે. શિખા આત્મનિર્ભર બની શકે તે માટે વડાપ્રધાને કાશી કોરીડોરમાં તેને એક દુકાન અપાવી છે. શિખા આ અંગે વડાપ્રધાનનો આભાર માનીને ચરણ સ્પર્શ કરવા ગચાં ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. મોદીએ કાશી કોરિડોરમાં શિખાને એક દુકાનની ભેટ આપી છે. મોદીએ આ વાત કરી ત્યારે શિખા રડી પડી હતી.
વારણસીમાં જ રહેતાં શિખા રસ્તોગી 40 વર્ષનાં છે. શિખા દસ ધોરણ પાસ છે અને દિવ્યાંગ લોકોની શિબિરો કરીને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપે છે. શિખા ડાન્સ શિખવે પણ છે. એક સમયે ટીકટોક પર શિખાના વીડિયો ભારે ધૂમ મચાવતા હતા.
વડાપ્રધાન કાશી કોરિડોરનું લોકાર્પણ કરવા પહોંચ્યા ત્યારે તે કોરિડોરમાં ફરતાં ફરતાં શિખા પાસે પહોંચ્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે, તમે આત્મનિર્ભર બની શકો એટલે કોરિડોરમાં એક દુકાન અપાવી છે અને આ અંગે મેં સૂચના આપી દીધી છે.
આ વાત સાંભળતાં જ શિખાની આંખમાં આંસું આવી ગયાં હતાં અને તેમણે વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરવા પ્રયાસ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ તેમને પગે પડતાં રોકીને પોતે વામનકદ મહિલાના ચરણ સ્પર્શ કર્યાં હતાં. શિખાની વડાપ્રધાન સાથે આ બીજી મુલાકાત હતી. મોદી શિખાને જોઈને જ ઓળખી ગયા હતા.