Covid-19 Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ ઓમિક્રોનના વધતાં કેસને લઈ ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન વધુ એક દિગ્ગજ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે બંને ડોઝ લીધા હોવા છતાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે.


ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ અને તેમના પુત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ અંગેની જાણકારી ડિંપલ યાદવ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. ડિમ્પલે જણાવ્યું હતું કે મે કોરોના સામેની રસીના બન્ને ડોઝ લઇ લીધા હોવા છતા મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે મારામાં હજુસુધી કોઇ લક્ષણો કે બિમારી નથી જોવા મળી. દરમિયાન અખિલેશના પુત્રીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.


દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ


ભારતમાં કોરોના વાયરસના નવા વેરિયંટ  ઓમિક્રોનના કેસોનું પ્રમાણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. દેશમાં નવા ૩૮ કેસો જ્યારે ગુજરાતમાં નવા નવ કેસો સામે આવતા દેશભરમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને ૨૫૮ને પાર પહોંચી ગઈ છે.


એઇમ્સના ડાયરેક્ટરે શું કહ્યું


ભારતમાં ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે કોરોના પ્રત્યે લોકોની બેદરકારી જોખમી છે. જો કે તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીના આંકડા સૂચવે છે કે વેક્સિન કોરોના સામે અસરકારક છે.   જે લોકોએ એક પણ ડોઝ લીધો નથી તેમણે પ્રથમ ડોઝ તાત્કાલિક લઇ લેવો જોઇએ. જેમણે પ્રથમ ડોઝ લઇ લીધો છે તેમણે બીજો ડોઝ સમયસર લઇ લેવો જોઇએ. ઓમિક્રોન પણ ઝડપથી ફેલાઇ રહ્યું હોવાથી કોવિડના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે. લોકોએ માસ્ક પહેરવું પડશે, ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને ભીડવાળી જગ્યાથી દૂર રહેવું પડશે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા વેરિઅન્ટ કરતા ત્રણ ગણી વધારે ઝડપથી ફેલાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને નાઇટ કરફ્યુ, ભીડવાળા કાર્યક્રમો પર પ્રતિબંધ, લગ્નમાં મહેમાની સંખ્યામાં ઘટાડો કરવાના ટેસ્ટિંગ વધારવાના નિર્દેશ આપ્યા છે.