Cyclone Biparjoy Effect : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળી ચક્રવાત બિપરજોય જોખમી રીતે આગળ વધી રહ્યું છએ. આ વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોને બરાબરના ધમરોળ્યા છે. કચ્છના માંડવી વિસ્તારમાં હજી પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ચક્રવાતને કારણે પવન 125 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યો છે. આ લેન્ડફોલ મધરાત સુધી ચાલશે અને તોફાની પવનોની ઝડપ પણ વધી શકે છે. આ વાવાઝોડા બાદ તેની આફ્ટર ઈફેક્ટ ભારે મુશ્કેલીઓ સર્જશે.
ચક્રવાતી વાવાઝોડું બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તોફાની પવનોએ તબાહી મચાવી દીધી છે. ચક્રવાતી તોફાન બિપરજોય સૌથી પહેલા કચ્છના જખૌ બંદર પર ત્રાટક્યું હતું. આ સ્થિતિમાં ગુજરાત માટે આજની રાત ખૂબ જ મુશ્કેલ બની રહી છે. એક તરફ, લેન્ડફોલ દરમિયાન થયેલા નુકસાનથી વહીવટીતંત્ર અને લોકોની ચિંતા વધી છે, તો બીજી તરફ, બિપરજોયની 'આફ્ટર ઇફેક્ટ'ને લઈને તણાવ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસર અડધી રાત્રે ખતમ થઈ જશે. તોફાનથી થયેલા નુકસાનનો અંદાજ પણ શુક્રવારે જ લગાવી શકાય છે, પરંતુ ચક્રવાતના કારણે શુક્રવારે સવારે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ જો વરસાદ પડશે તો વહીવટીતંત્ર અને લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થશે. કારણ કે, વાવાઝોડાને કારણે થયેલા ડિસલોકેશનને રિપેર કરવામાં વધુ સમય લાગશે. આ સાથે વરસાદ દરમિયાન પણ કોઈ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવાનો વહીવટીતંત્ર સામે મોટો પડકાર છે. બિપરજોય તોફાની પવનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલાઓ પડવા લાગ્યા છે.
લેન્ડફોલ પછી પણ મુશ્કેલી યથાવત રહેશે
નિષ્ણાંતોનું કહેવું છે કે, શુક્રવારે વરસાદને કારણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. એટલે કે લોકોને લાંબા સમય સુધી વીજળી વિના જીવવું પડશે. બીજી તરફ જેમના મકાનો ધરાશાયી થયા છે તેઓએ પણ પોતપોતાના સ્થળે જવા માટે વધુ રાહ જોવી પડશે. ત્યાં સુધી તેઓ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા આશ્રયસ્થાનમાં રહેશે. તેમજ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનનો અંદાજ કાઢવામાં સમય લાગી શકે છે. હવામાન વિભાગના એલર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે બિપરજોય ભલે ગુજરાતમાંથી પસાર થશે પરંતુ તેની આફ્ટર ઇફેક્ટ રાજ્ય પર પણ નોંધપાત્ર અસર કરશે.
આ ઉપરાંત ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. દિલ્હી-એનસીઆરમાં ચક્રવાત બિપરજોયની વધુ અસર થવાની અપેક્ષા નથી. જો કે આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. IMDનું કહેવું છે કે તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.