UP Election 2022: ભાજપે યુપી ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 17 ઉમેદવારોના નામ છે. ભાજપે લખનઉની સરોજિની નગર બેઠક પરથી પૂર્વ ED અધિકારી રાજેશ્વર સિંહ(Rajeshwar Singh)ને ટિકિટ આપી છે. એટલે કે મંત્રી સ્વાતિ સિંહ(Swati Singh)ની ટિકિટ કપાઈ છે. લખનઉ કેન્ટમાંથી બ્રજેશ પાઠક, લખનઉ પશ્ચિમમાંથી અંજની શ્રીવાસ્તવ અને લખનઉ પૂર્વમાંથી આશુતોષ ટંડન ગોપાલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા બીએસપી છોડીને ભાજપમાં જોડાયેલા ચંદ્રપ્રકાશ મિશ્રાને અમેઠીના ગૌરીગંજથી ટિકિટ આપવામાં આવી છે.



રજનીશ ગુપ્તાને લખનઉ સેન્ટ્રલથી ટિકિટ આપવામાં આવી છે. અમરેશ કુમારને મોહનલાલગંજ અને આશુતોષ શુક્લાને ભગવંત નગર સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


રાજેશ્વર સિંહે ગયા વર્ષના અંતમાં VRS માટે અરજી કરી હતી. રાજેશ્વર સિંહે સોમવારે રાત્રે ટ્વિટર પર પોસ્ટ કરેલા પત્રમાં કહ્યું કે ભારત સરકાર તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) માટેની મારી વિનંતી સ્વીકારવામાં આવી છે. રાજેશ્વર સિંહે તેમની સિવિલ સર્વિસ કરિયરની શરૂઆત ઉત્તર પ્રદેશ પોલીસથી  કરી હતી. તેમણે લગભગ 10 વર્ષ ઉત્તર પ્રદેશ પોલીસ સાથે કામ કર્યું અને બાકીના વર્ષો ED સાથે કામ કર્યું.


Akhilesh Yadav  સામે કૉંગ્રેસ કોઈ ઉમેદવાર નહી ઉતારે


ઉત્તરપ્રદેશના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશની કરહાલ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે નહીં. સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ મૈનપુરી જિલ્લાની આ કરહલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મંગળવારે આ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો, પરંતુ કોંગ્રેસના ઉમેદવારે અહીંથી ઉમેદવારી નોંધાવી ન હતી.


કોંગ્રેસે આ બેઠક માટે ઉમેદવારની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. પાર્ટીએ અહીંથી જ્ઞાનવતી યાદવને ટિકિટ આપી હતી, પરંતુ હવે તેમની પાસેથી ટિકિટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે.


અખિલેશ યાદવ ઉપરાંત કોંગ્રેસે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના વડા શિવપાલ યાદવ સામે ઉમેદવાર નહીં ઉભા કરવાનો નિર્ણય લીધો છે. શિવપાલ યાદવ જસવંતનગર સીટ પર SP-PSP ગઠબંધનના ઉમેદવાર છે. કોંગ્રેસે આ જિલ્લાની ત્રણમાંથી બે વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારની વરણી કરી છે.