પટના: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સુશીલ મોદી હવે રાજ્યસભા મોકલવામાં આવશે. ભાજપે તેમને બિહારથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. લોક જનશક્તિ પાર્ટી નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ બિહારની રાજ્યસભા બેઠક ખાલી થઈ હતી. રામવિલાસ પાસવાના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી થશે. સુશીલ મોદીને મોદી સરકારમાં કોઈ મહત્વનું મંત્રાલય મળી શકે છે.


રામવિલાસ પાસવાન જે મંત્રાલય સંભાળતા હતા તે ગ્રાહક બાબતો ફૂડ અને જાહેર વિતરણ મંત્રાલય સુશીલ કુમાર મોદીને મળી શકે છે. અથવા તો તેમને બીજુ કોઈ મહત્વનું મંત્રાલય પણ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે બિહાર એનડીએ સરકારમાં નીતીશ કુમાર મંત્રિમંડળમાં મહાગઠબંધનની સરકારને બાદ કરીએ તો સુશીલ મોદી સતત નાયબ મુખ્યમંત્રીના પદ પર રહ્યા છે. તેમને નીતીશ કુમારના ખાસ ભરોસાપાત્ર સાથી માનવામાં આવતા હતા.

આ વાતને લઈ ઘણી વખત સુશીલ મોદીની પાર્ટીના નેતાઓ તરફથી આલોચના પણ કરવામાં આવતી હતી. સુશીલ મોદી પર એવો આરોપ પણ લાગ્યો કે તેમણે ક્યારેય નીતીશ કુમારના નિર્ણયનો પાર્ટીના હિતમાં પણ વિરોધ નથી કર્યો, એ પણ આરોપ લાગ્યો છે કે તેમણે બિહારમાં નીતીશ કુમાર સામે પાર્ટીનું કદ ક્યારેય મોટુ થવા નથી દિધું.