નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ મંત્રી બનેલા એસ.જયશંકરને ભાજપ ગુજરાતથી રાજ્યસભામાં મોકલી શકે છે. તે સિવાય કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનને બિહારથી રાજ્યસભામાં મોકલવવામાં આવી શકે છે. હાલમાં એસ.જયશંકર અને રામ વિલાસ પાસવાન ના લોકસભાના સભ્ય છે ના રાજ્યસભાના સભ્ય છે. એવામાં તેમને છ મહિનાની અંદર બંન્ને સદનોમાંથી કોઇ એકના સભ્ય બનવું ફરજિયાત છે.
નોંધનીય છે કે ગુજરાતના ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, ઉત્તર પ્રદેશના અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની અને બિહારના પટનાસાહિબ બેઠક પરથી રવિશંકર પ્રસાદ ચૂંટણી જીત્યા છે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની ગુજરાતથી , જ્યારે રવિશંકર પ્રસાદ બિહારથી રાજ્યસભાના સભ્ય હતા. ચૂંટણી જીત્યા બાદ ત્રણેયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની સ્થાન પર બિહારથી રામવિલાસ પાસવાન અને ગુજરાતથી વિદેશ મંત્રી એસ.જયશંકરને રાજ્યસભામાં મોકલી શકે છે.
નિવૃત સરકારી અધિકારી એસ.જયશંકર સૌથી લાંબી 36 વર્ષની વિદેશ સેવા માટે જાણીતા છે.તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફેન્સ કોલેજમાંથી ગેજ્યુએટ કર્યું છે અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિર્ટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશનમાં એમએ કર્યું છે. જાન્યુઆરી 2015થી લઇને જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ રહેતા તેમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની વિદેશ નીતિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.