રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે વર્ચ્યૂલ મીટિંગના માધ્યમથી બિહાર પ્રદેશ ભાજપ કાર્યસમિતિનો સંબોધિત કરી હતી. વિપક્ષ પર નિશાન સાધતા ભાજપ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ પાસે ન તો વિચાર છે કે ન તો વિઝન. સેવા કરવાનો સંકલ્પ પણ નથી. બિહારના લોકોને પોતાની તસવીર અને નસિબ બદલવા માટે માત્ર એનડીએ પાસે આશા છે. છેલ્લા 15 વર્ષથી અમે આ દિશામાં કામ કર્યું છે અને આગળ પણ કરતા રહીશું.
લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન નીતીશ કુમાર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એક સપ્તાહ પહેલા તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યના મુદ્દાઓને ઉઠાવતા રહેશે. પાર્ટી રાજ્યના લોકો પ્રત્યે પોતાની જવાબદારી નિભાવતી રહેશે. અમે રાજધર્મનું પાલન કરતા રહીશું.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમે આત્મનિર્ભર બિહાર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. તે વોકલ ફોર લોકલ દ્વારા જ શક્ય છે. મધુબનીનું પેઈન્ટિંગ, ભાગપલપુરનો સિલ્ક ઉદ્યોગ, મુઝફ્ફરપુરની લીચીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની છે. આપણે તાકાત વધારવાની છે. બિહારમાં ઉદ્યોગ સ્થપાશે તો યુવાનોને રોજગારી વધશે અને રાજ્યનો વિકાસ થશે.