Kailash Vijayvargiya Controversial Statement on Agniveer: દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈ વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધની વચ્ચે હવે ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ અગ્નિવીરો વિશે કંઈક એવું કહી દીધું છે કે વિવાદ સર્જાયો છે. ઈન્દોરમાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ભાજપ ઓફિસમાં અમારે સિક્યુરિટી ગાર્ડ રાખવાનો હશે તો તે જગ્યાઓ માટે અગ્નિવીરોને પ્રાથમિકતા આપીશું. તેમણે કહ્યું કે, અગ્નિપથ યોજના દેશની ત્રણેય સેનાઓના અધ્યક્ષોનો પ્રસ્તાવ હતો નહી કે કોઈ રાજનીતિક નિર્ણય.
અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે હિંસા અને આગજનીની ઘટનાઓ સામે આવી રહી છે. જે યુવાનો સૈનિક બનવા ઈચ્છે છે તેઓ આજે ઉપદ્રવી બની ગયા છ.તો શું આ જ કારણ છે કે આજે અગ્નિપથ યોજાનનો તમામ રાજનૈતિક પાર્ટીઓ વિરોધ કરી રહી છે? આ અંગે જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબમાં કૈલાસ વિજયવર્ગીયએ ભાજપ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને દેશની ચિંતા નથી, તેમને ખુરશીની ચિંતા છે જેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે.
અગ્નિવીર પર વિવાદિત નિવેદનથી ઘેરાયા વિજયવર્ગીયઃ
કૈલાશ વિજયવર્ગીયએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, અગ્નિવીરની નોકરી પૂરી થયા બાદ ભાજપ તેમને ઓફિસમાં સુરક્ષા ગાર્ડ માટે પ્રાથમિકતા આપશે. તેમણે કહ્યું કે જો તેઓ 21 વર્ષની ઉંમરે પણ ભરતી થાય અને 4 વર્ષની સેવા આપે તો તે સમયે તેમની ઉંમર 25 વર્ષની હશે. તે પછી, તેમના હાથમાં 11 લાખ રૂપિયા હશે અને તે તેમની છાતી પર અગ્નિવીરનું ટેગ લગાવીને ફરશે. જો મારે ભાજપ કાર્યાલયમાં ગાર્ડ રાખવો હોય તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ.
વરુણ ગાંધીએ કર્યું ટ્વીટઃ
વરુણ ગાંધીએ કૈલાશ વિજયવર્ગીયના વિવાદાસ્પદ નિવેદન પર પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, "જેની બહાદુરી આખી દુનિયામાં ગુંજતી હોય તેવા ભારતીય સૈનિકને કોઈપણ રાજકીય કાર્યાલયની 'ચોકીદારી' કરવાનું આમંત્રણ તે વ્યક્તિને જ મુબારક. બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય પર કટાક્ષ કરતા વરુણ ગાંધીએ કહ્યું કે, ભારતીય સેના એ માત્ર નોકરી નહીં પણ માં ભારતીની સેવાનું માધ્યમ છે.