મંદસૌરઃ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પોતાના નિવેદનના કારણે એકવાર ફરી ચર્ચામાં છે. મધ્યપ્રદેશમાં મંદસૌર જિલ્લાના સીતામઉમાં વિજયવર્ગીયે પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે જો રાત્રે બે વાગ્યે ભાજપના કાર્યકર્તા પત્તા રમતા પકડાઇ જાય છે તો તે પોતે રાત્રે પોલીસ સ્ટેશન જઇને ફોન કરી તેમને છોડાવે છે. તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ કોગ્રેસે શાબ્દિક હુમલાઓ કર્યા હતા. કોગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ ટ્વિટ કરી પૂછ્યું હતું કે, શું ભાજપ કાર્યકર્તા રાત્રે 2-2 વાગ્યા સુધી પત્તા રમે છે?

કૈલાશ વિજયવર્ગીયએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે, હું કોલકત્તામાં રહું કે અહીં, અડધી રાત્રે જો ભાજપના કાર્યકર્તાને પોલીસ પકડીને લઇ જાય અને તે મને ફોન કરે તો હું પોલીસ સ્ટેશનમાં ફોન કરીને તેને છોડાવું છું. હું રાત્રે બે વાગ્યે જાતે ફોન ઉઠાવું છું. કોઇ કાર્યકર્તાનો ફોન આવે , તો રાત્રે બે વાગ્યે પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું અને કહું છું કે જોઇ લેજે ભાઇ, અમારો કાર્યકર્તા છે. આ કરવું પડે છે.



આ દરમિયાન વિજયવર્ગીયએ દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશમાં 24 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ જીતશે. લોકડાઉન દરમિયાન બંગાળમાં અમિત શાહની વર્ચ્યુઅલ  રેલીને 2 કરોડથી વધુ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઇ હતી. આ રેકોર્ડ છે.